વિચિત્ર સપનાના (weird dreams) કારણે આપણું મગજ (Mind Fitness) ફિટ રહે છે. આ સાથે જ સ્વપ્નો માનવીઓને વાસ્તવિકતામાં જીવવા વધુ સારી રીતે મદદ કરે છે, તેવા ચોંકાવનારા તારણો તાજેતરમાં થયેલા અભ્યાસમાં સામે આવ્યા હતા. સ્વપ્નની આસપાસના રહસ્યો વિજ્ઞાનિકોને (Scientist) મૂંઝવે છે. માનવી શા માટે સ્વપ્ન જુએ છે? તેના જુદા જુદા કારણો કેટલીક થિયરી અને અધ્યયન સૂચવે છે. સિગ્મંડ ફ્રોઈડના (Sigmund Freud) સિદ્ધાંતમાં સપનાને આપણી ભૂતકાળની યાદોનું અભિવ્યક્તિ ગણાવ્યા છે. લોકોની દબાયેલી ઇચ્છાઓના કારણે તેનો જન્મ થતો હોય છે, તેવુ આ સિદ્ધાંત પરથી ફલિત થાય છે. સ્વપ્નને ડીકોડિંગ કરતા પણ ઘણા અભ્યાસો થયા છે. આ અભ્યાસ મુજબ સપના આપણને વાસ્તવિકતા માટે તૈયાર કરવાનો ઉપાય છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સની ટફટ્સ યુનિવર્સિટીના ન્યુરોસાયન્સના સંશોધન સહાયક પ્રોફેસર એરિક હોએલે 2020માં ‘ધ ઓવરફિટ્ડ બ્રેઇન: ડ્રિમ્સ ઇવોલવેડ ટુ અસિસ્ટ જનરલાઈઝેશન’ શીર્ષક પર અધ્યયન પ્રકાશિત કર્યું હતું.
એરિક ટફટ્સના એલન ડિસ્કવરી સેન્ટરમાં કાર્ય કરે છે. જ્યાં તે સભાનતાનો અભ્યાસ કરવાની સાથે અનુભવો અને મગજની સ્થિતિ વચ્ચેના સંબંધોનો તાગ મેળવે છે. એરિકે તેના સંશોધન માટે મશીન લર્નિંગ જેવા કૃત્રિમ ન્યુરલ નેટવર્ક સાથે કામ કર્યું. જેમાં ગૂગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ ડીપમાઇન્ડ જેવા જટિલ મશીનનો ઉપયોગ થયો હતો. એરિકે નોંધ્યું કે, જ્યારે આવા મશીન લર્નિંગ પ્રોગ્રામ્સ કોઈ એક ટાસ્કને પુનરાવર્તિત કરે ત્યારે તે આ ટાસ્ક કરવામાં નિષ્ણાંત(ઓવરફિટ) બની જાય છે. એરિકના સંશોધન અનુસાર, મશીનની જેમ માનવ મગજ સાથે પણ આવું જ બને છે. સપના થકી આપણું મગજ આપણા સપનામાં વિચિત્ર સંકેત ઉમેરે છે, જે નિરસ ટાસ્કના ચક્રને તોડી નાંખે છે. આમ આપણું મગજ ફીટ રહે છે, તેવું એરિકનું કહેવું છે. આપણા સપનામાં રહેલા ફિકશન અને વિચિત્ર તત્વો ઉત્ક્રાંતિ પ્રક્રિયાનો કેવી રીતે ભાગ બને છે તે અંગે એરિકે ઉલ્લેખ કર્યો છે.