કોરોના સાથેના આ યુદ્ધ દરમિયાન અસંખ્ય ડોક્ટરો સંક્રમિત થયા અને જીવ પણ ગુમાવ્યા તેવા કિસ્સાઓ બન્યા છે. તેવામાં હાલમાં જ એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે, સામાન્ય માણસોની સરખામણીએ હેલ્થ વર્કર્સને કોરોના મહામારી દરમિયાન સંક્રમિત થવાનો ખતરો 3 ગણો વધારે છે. લગભગ દર પાંચમાંથી એક હેલ્થ વર્કર કોઇ પણ લક્ષણો વગર અજાણ હોય છે કે તે કોવિડ-19 સંક્રમિત છે. આ દરમિયાન સંક્રમણ ફેલાવવાનું જોખમ પણ તેટલું જ વધી જાય છે. ઇઆરજે ઓપન રિસર્ચ (ERJ Open Research)માં પ્રકાશિત થયેલ એક અભ્યાસ અનુસાર, મે અને સપ્ટેમ્બર, 2020ની વચ્ચે કુલ 2063 હેલ્થકેર સ્ટાફનું કોરોના વાયરસ સામે લડવા માટે એન્ટિબોડીઝ (Antibodies) અંગે પરીક્ષણ કરાયું હતું. આ એન્ટિબોડિઝ દર્શાવે છે કે કોઇ વ્યક્તિ કોરોનાથી ચેપગ્રસ્ત છે. બ્લડ ટેસ્ટમાં દર્શાવાયું હતું કે 14.5 ટકા આરોગ્ય કર્મચારીઓ સંક્રમિત થયા છે. આ આંકડો સામાન્ય માણસો કરતા 3 ગણો વધુ છે. હેલ્થ વર્કર્સને આમ તો આજે કોરોના વોરિયર્સ તરીકે ગણવામાં આવે છે. પરંતુ આ મહામારી સામે લડતા આ આરોગ્યકર્મીઓના જીવ પર પણ મોતની તલવાર લટકી રહી છે. આ અભ્યાસ અનુસાર, તમામ આરોગ્યકર્મીઓમાં કોવિડ-19નું સંક્રમણ ફેલવવાના રેટ્સ અલગ અલગ છે. જેમ કે, ડેન્ટિસ્ટમાં 26 ટકા, હેલ્થ કેર આસિસ્ટન્ટમાં 23.3 ટકા, હોસ્પિટલ પોર્ટર્સમાં 22.2 ટકા છે. જ્યારે વહીવટી અધિકારીઓમાં આ દર ડોક્ટરો જેટલો જ એટલે કે 21.1 ટકા છે. લગભગ 18.7 ટકા તે વાતથી અજાણ હતા કે તેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને તેમનામાં કોઇ પણ લક્ષણો ન હતા. સંશોધકોના જણાવ્યા અનુસાર, તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે જ્યારે કોરોનાના લક્ષણો દેખાતા નથી, ત્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ તેના કામ પર જશે અને અજાણતા જ અન્ય લોકોને પણ ઇન્ફેક્શન ફેલાવે છે.
