૨૦ થી ૫૦ હજારના બેઝિક પગાર પર ૩૫ વર્ષમાં કેટલું રિટાયરમેન્ટ ફંડ બનશે? જાણો ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાત
ભારતમાં ઓર્ગેનાઈઝ્ડ પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) એ નિવૃત્તિ પછીના જીવન માટે સૌથી સલામત અને ભરોસાપાત્ર રોકાણનો માર્ગ છે. નોકરી દરમિયાન દર મહિને થતી નાની નાની બચત લાંબા ગાળે એક વિશાળ ભંડોળમાં રૂપાંતરિત થઈ જાય છે. જો કોઈ કર્મચારી પોતાના કેરિયરની શરૂઆતમાં રૂ. ૨૦,૦૦૦ થી રૂ. ૫૦,૦૦૦ ની બેઝિક સેલરી ધરાવતો હોય અને ૩૫ વર્ષ સુધી સતત પીએફમાં પ્રદાન કરે, તો નિવૃત્તિ સમયે તેના ખાતામાં કરોડો રૂપિયાનું ભંડોળ એકઠું થઈ શકે છે.
હાલમાં EPF પર ૮.૨૫% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જો આપણે દર વર્ષે પગારમાં સરેરાશ ૫% નો વધારો (ઈન્ક્રીમેન્ટ) અને પ૫૮ વર્ષની વયે નિવૃત્તિ ધારીએ, તો ૩૫ વર્ષના કાર્યકાળ બાદ રૂ. ૧.૩૮ કરોડથી લઈને રૂ. ૩.૪૬ કરોડ સુધીનું ભંડોળ તૈયાર થઈ શકે છે.
EPF માં યોગદાનનું ગણિત અને નિયમો
નિયમ મુજબ, દર મહિને કર્મચારી પોતાની બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થાના ૧૨% રકમ EPF ખાતામાં જમા કરાવે છે. સામે પક્ષે, એમ્પ્લોયર (કંપની) દ્વારા પણ ૧૨% યોગદાન આપવામાં આવે છે. જોકે, એમ્પ્લોયરના ૧૨% માંથી ૩.૬૭% રકમ કર્મચારીના EPF ખાતામાં જાય છે, જ્યારે બાકીની ૮.૩૩% રકમ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS) માં જમા થાય છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર રૂ. ૨૦,૦૦૦ હોય, તો તેનો માસિક પીએફ કાપ રૂ. ૨,૪૦૦ થશે. જ્યારે રૂ. ૫૦,૦૦૦ ના બેઝિક પગાર પર દર મહિને રૂ. ૬,૦૦૦ EPF ખાતામાં જમા થશે. દર વર્ષે પગાર વધારા સાથે પીએફ યોગદાનની રકમમાં પણ આપોઆપ વધારો થતો રહે છે.

અલગ-અલગ બેઝિક સેલરી પર ૩૫ વર્ષ બાદ સંભવિત EPF કોર્પસ
જ્યારે ૨૩ વર્ષની ઉંમરે કેરિયર શરૂ કરીને ૫૮ વર્ષની ઉંમરે નિવૃત્ત થવાનો હિસાબ મૂકીએ, ત્યારે ૮.૨૫% વ્યાજ દરે જુદા જુદા પગાર સ્તર પર નીચે મુજબનું ભંડોળ બની શકે છે:
૧. રૂ. ૨૦,૦૦૦ બેઝિક સેલરી પર:
જો તમારી શરૂઆતની બેઝિક સેલરી ૨૦ હજાર રૂપિયા હોય, તો ૩૫ વર્ષમાં તમારું કુલ પીએફ યોગદાન આશરે રૂ. ૨૭.૩૧ લાખ થશે. સામે એમ્પ્લોયરનું યોગદાન રૂ. ૮.૩૫ લાખ રહેશે. ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિના કારણે તમને વ્યાજ પેટે જ રૂ. ૧.૦૨ કરોડથી વધુની કમાણી થશે. આમ, નિવૃત્તિ સમયે કુલ EPF કોર્પસ આશરે રૂ. ૧,૩૮,૩૦,૬૧૧ (૧.૩૮ કરોડ) બનશે.
૨. રૂ. ૩૦,૦૦૦ બેઝિક સેલરી પર:
૩૦ હજાર રૂપિયાના આધારભૂત વેતન સાથે કામ શરૂ કરનાર કર્મચારી ૩૫ વર્ષમાં પોતાની તરફથી રૂ. ૪૦.૯૬ લાખ અને કંપની તરફથી રૂ. ૧૨.૫૨ લાખનું યોગદાન આપશે. આ સમયગાળા દરમિયાન વ્યાજની કમાણી રૂ. ૧.૫૩ કરોડથી વધુ થશે, જેનાથી કુલ રિટાયરમેન્ટ ફંડ આશરે રૂ. ૨,૦૭,૪૬,૦૨૨ (૨.૦૭ કરોડ) સુધી પહોંચી જશે.
૩. રૂ. ૪૦,૦૦૦ બેઝિક સેલરી પર:
રૂ. ૪૦ હજારની બેઝિક સેલરી ધરાવતા કર્મચારીનું ૩૫ વર્ષનું કુલ પીએફ યોગદાન રૂ. ૫૪.૬૨ લાખ અને એમ્પ્લોયરનું પીએફ ભાગીદારી રૂ. ૧૬.૭૦ લાખ થશે. વ્યાજ થકી મળનારી રકમ રૂ. ૨.૦૫ કરોડ રહેશે. પરિણામે, નિવૃત્તિ સમયે કુલ કોર્પસ રૂ. ૨,૭૬,૬૧,૪૪૫ (૨.૭૬ કરોડ) નો આંકડો સ્પર્શશે.
૪. રૂ. ૫૦,૦૦૦ બેઝિક સેલરી પર:
જો તમારો પ્રારંભિક બેઝિક પગાર ૫૦ હજાર રૂપિયા હોય, તો ૩૫ વર્ષના સેવાકાળમાં તમારું પોતાનું યોગદાન રૂ. ૬૮.૨૮ લાખ અને એમ્પ્લોયરનું યોગદાન રૂ. ૨૦.૮૮ લાખ થશે. માત્ર વ્યાજની કમાણી જ રૂ. ૨.૫૬ કરોડથી વધુ થશે. આમ, નિવૃત્તિ વખતે તમારા હાથમાં રૂ. ૩,૪૫,૭૬,૮૨૩ (૩.૪૬ કરોડ) નું વિશાળ કોર્પસ આવી શકે છે.

કમ્પાઉન્ડિંગનો જાદુ: રોકાણ કરતાં વ્યાજની કમાણી ત્રણ ગણી!
EPF સ્કીમની સૌથી મોટી તાકાત ચક્રવૃદ્ધિ વ્યાજ (Compounding Interest) છે. ખાતામાં દર વર્ષે ઉમેરાતું વ્યાજ મૂળ રકમ સાથે ભળી જાય છે અને આગામી વર્ષે તે વ્યાજ પર પણ ફરી વ્યાજ મળે છે.
આ જ કારણે ૩૫ વર્ષના લાંબા ગાળામાં કર્મચારીના પોતાના રોકાણ કરતાં વ્યાજમાંથી થતી કમાણી લગભગ ત્રણ ગણી વધારે હોય છે. રૂ. ૨૦ હજારથી ૫૦ હજારના પગારદાર માટે કુલ મેળવેલી રકમમાં ૭૦% થી વધુ હિસ્સો માત્ર વ્યાજનો જ હોય છે.
(નોંધ: આ ગણતરી દર વર્ષે ૮.૨૫% નો સમાન વ્યાજ દર અને દર વર્ષે ૫% સેલરી ઈન્ક્રીમેન્ટ ધ્યાને રાખીને કરવામાં આવી છે. વાસ્તવિકતામાં EPF વ્યાજ દરોની સમીક્ષા દર વર્ષે સરકાર દ્વારા કરવામાં આવે છે.)