ગુજરાતમાં જીવલેણ કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. ગુજરાતમાં 27મી મે, 2021, ગુરુવારના રોજ સમાપ્ત થયેલા 24 કલાકમાં 2900થી ઓછા નવા કોરોના કેસ નોંંધાયા છે જે છેલ્લા 54 દિવસના સૌથી ઓછા કેસ છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યાનો આંકડો 8 લાખને પાર થયો છે. તો એક દિવસ બાદ ફરી 10 હજારથી ઓછા એટલે કે 9 હજાર 302 દર્દીએ કોરોનાને માત આપી છે. જ્યારે 64 દિવસ એટલે કે બે મહિના બાદ દૈનિક મૃત્યુઆંક 33 થયો છે. આમ સતત 23મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 92.66 ટકા થયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 866ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 734 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 7 લાખ 42 હજાર 50 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 49 હજાર 82 એક્ટિવ કેસ છે, જેમાંથી 583 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 48 હજાર 499 દર્દીની હાલત સ્થિર છે.
ગુજરાતમાં આજે ગુરુવારે આજે કુલ 2,26,603 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. રસીકરણના ત્રીજા તબકકામાં ગુજરાતમાં આજે 18થી 44 વર્ષ સુધીના 1,13,346 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો છે. તો 45થી વધુ વયના કુલ 80,786 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 22,862 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1,62,76,699 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.