ગુજરાત અને સમગ્ર દેશની વેક્સિનની માંગને પહોંચી વળવામાં ગુજરાત સરકારનું ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સતત પરામર્શ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે આજે હેસ્ટર બાયોસાયન્સિઝ લિમિટેડ અને ઑમ્નિ BRx ટેકનોલોજી સાથે મળીને ગુજરાતમાં વેક્સિન માટે જરૂરી ડ્રગ સબસ્ટાન્સના ઉત્પાદન માટે ભારત બાયોટિક લિમિટેડ સાથે એમઓયુ કર્યાં છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત કૉવેક્સિનના ઉત્પાદનમાં અત્યંત મહત્વના ડ્રગ સબસ્ટાન્સનું ઉત્પાદન કરીને ભારતમાં વેક્સિન ઉત્પાદન અને વિસ્તરણમાં મહત્વનું યોગદાન આપશે. ભારત સરકારે સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ સહયોગ સાથે સમર્થન આપ્યું છે એટલું જ નહીં, આ સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
વેક્સિન ઉત્પાદન એ અત્યંત જટિલ અને લાંબી પ્રક્રિયા છે અને તેથી જ તે નિયંત્રિત માત્રામાં થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, જો આયોજનબદ્ધ રીતે જ બધું પાર પડ્યું તો ઓગસ્ટ 2021 થી પ્રતિમાસ 20 મિલિયન વેક્સિન ડોઝનું નિર્માણ થઈ શકે એટલી ક્ષમતાના મટિરિયલનું ઉત્પાદન ગુજરાતમાં થશે.
વેક્સિનેશનથી જ કોરોના વાયરસ સામે રક્ષણ મળી શકે એવી સ્થિતિ છે ત્યારે વેક્સિનેશન ટેકનોલોજીના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવી અનિવાર્ય છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના આ એમઓયુથી ગુજરાતમાં ડ્રગ સબસ્ટાન્સના જથ્થાબંધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે. પરિણામે વેક્સિનના ઉત્પાદનમાં વૃદ્ધિ થશે અને ગુજરાત અને ભારતના નાગરિકો માટે ઉપલબ્ધ થઇ શકશે.