ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ક્રમશ: ઘટી રહ્યો છે. દેશમાં શુક્રવારે સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના એક દિવસમાં 1.86 લાખ કેસ નોંધાયા હતા, જે 44 દિવસમાં સૌથી ઓછા કેસ હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 3660નાં મોત નીપજ્યાં હતાં.આ સાથે કોરોનાના કુલ કેસ 2.75 કરોડ નોંધાયા હતા તેમજ કુલ મૃત્યુઆંક 3.18 લાખ થયો હતો. દેશમાં કોરોનાના કેસ ઘટતા સતત 15 દિવસથી કોરોનાના નવા કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે.
દેશમાં કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 9 ટકા થયો હતો, જે સતત ચોથા દિવસે 10 ટકાથી નીચે રહ્યો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 10.42 ટકા થયો હતો. કોરોનાના એક્ટિવ કેસ વધુ ઘટીને 23.43 લાખ થયા હતા, જે કોરોનાના કુલ કેસમાં 8.50 ટકા હતા.
આ સાથે છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 76,755નો ઘટાડો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 2.48 કરોડ દર્દીઓ સાજા થયા છે. દરમિયાન દિલ્હીમાં કોરોનાના ઘટી રહેલા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી.
બીજીબાજુ અરૂણાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રે લોકડાઉન લંબાવ્યા છે. અરૂણાચલ પ્રદેશે સાત જિલ્લામાં લોકડાઉન 7મી જૂન સુધી લંબાવ્યું હતું. મહારાષ્ટ્રે કોરોનાના નિયંત્રણો 15 દિવસ માટે લંબાવ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, 1લી જૂને નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે.
સીએમ કેજરીવાલના કહેવા પ્રમાણે તેઓ પ્રતિ સપ્તાહ જનતાના સૂચનો અને એક્સપર્ટ્સના મંતવ્ય પ્રમાણે અનલોકની પ્રક્રિયા શરૂ કરશે પરંતુ શરત એ છે કે જો કોરોના વધવા લાગશે તો અનલોકની પ્રક્રિયા રોકવામાં આવશે. સાથે જ તેમણે લોકોને કોરોના સંબંધી ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે વિનંતી કરી હતી.