કોરોના મહામારી સામે હાલ વેક્સીન જ સૌથી અસરકારક સુરક્ષા કવચ હોવાનું મનાય છે તેમ છતાં ઘણા લોકો રસી મૂકાવવા ઇનકાર કરે છે. આવી પરિસ્થિતિમાં અવનવી લાલચ આપીને લોકોને વેક્સિન સેન્ટર સુધી લાવવાનો પ્રયત્ન થતો હોય છે. ભારતમાં ઘણી જગ્યાઓએ એવી ઓફર આપવામાં આવી હતી કે જે પણ વેક્સિન લેશે તેને સોનુ મળશે અને કેટલીક જગ્યાએ તેમની ગાડીને ફ્રી સર્વિસ કરી આપવામાં આવશે.
કોરોના વેક્સિનને લઇને જાગૃતતા ફેલાવવા માટે અમેરિકાના ઓહીયોના ગવર્નર માઇક ડેવિને આ પ્રકારની લોટરીને લોન્ચ કરી છે. જે પણ આ વેક્સિન લેશે તેને લોટરીમાં 7 કરોડ રૂપિયા જીતવાની તક આપવામાં આવશે.
એક રિપોર્ટ અનુસાર લોટરી જીતનારા બધા લોકોને 10 લાખ ડૉલર એટલે કે 7.2 કરોડ રૂપિયા આપવામાં આવશે અને આ સ્કીમમાં 27 લાખ લોકોએ અપ્લાય કર્યુ છે. લોટરીના નિયમ અનુસાર અલગ અલગ વિનરની જાહેરાત કરવામાં આવશે.
માઇક ડેવિડે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે લોટરીમાં સામેલ થવા માટે કેટેગરી બતાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ લોટરીમાં પાર્ટીસીપેટ કરવા માટે 18 વર્ષથી વધારેની ઉંમર હોવી જોઇએ અને તે ઓહીયોનો નિવાસી હોવો જોઇએ. 12 થી 17 વર્ષની ઉંમરના લોકો માટે અલગ કેટેગરી રાખવામાં આવી છે.
બીજી કેટેગરીમાં કોઇ કેશ પ્રાઇઝ નથી પરંતુ તેમને 4 વર્ષની સ્કોલરશીપ આપવામાં આવશે અને તેમાં ટ્યુશન ફી, રૂમનો ખર્ચો બધી જ વસ્તુ આવરી લેવામાં આવશે.
ઓહીયોની આ લોટરી યોજના અમેરિકામાં ચર્ચાનો વિષય બની છે. રિપોર્ટમાં કહ્યું છે કે આ સ્કીમ બાદથી વેક્સિન લેનારા લોકોની સંખ્યામાં વધારો થશે. ગવર્નર માઇક ડેવિને કહ્યું કે 12 મેના રોજ લોટરીની ઘોષણા કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી 33 ટકા જેટલો વધારો થયો છે અને લોકો વધારે ને વધારે વેક્સિન લેવા આવી રહ્યાં છે.