હની ટ્રેપ મામલે ઝડપાયેલ મહિલા ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ ગીતા પઠાણે કરેલી જામીન અરજી સામે સરકારે એફિડેવીટ રજૂ કરી હતી. જેમાં ગીતા પઠાણ સામે પુરતા પુરાવા હોવાથી તેમને જામીન ન આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે સેશન્સ કોર્ટમાં બન્ને પક્ષની સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. ગીતા પઠાણ તરફે એડવોકેટ રફીક લોખંડવાલાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, ફરિયાદ ખોટી છે, તપાસમાં સહકાર આપ્યો છે, તેઓ એક પોલીસ અધિકારી છે તેથી નાસી કે ભાગી જાય તેમ નથી, પોલીસ તપાસમાં પણ સહકાર આપ્યો છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છે. જો કે, મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ કરી હતી કે, પાંચ વ્યક્તિઓને હનીટ્રેપમાં ફસાવી 26.55 લાખનો તોડ કરવામાં આવ્યો હતો જેમાં પીઆઇની મુખ્ય ભૂમિકા હતી, આ કેસમાં અન્ય લોકોની પણ સંડોવણી ખુલી છે, આરોપી સામે હજુ તપાસ જારી છે, આરોપી પોલીસ અધિકારી છે અને તેમને જામીન આપવામાં આવે તો તપાસમાં વિક્ષેપ ઉભો કરે અથવા સાક્ષી ફોડે તેવી શક્યતા છે, પોલીસ પેપર જોતા આરોપીની પ્રથમદર્શિય સંડોવણી સામે આવે છે ત્યારે આવા આરોપીને જામીન પર મુક્ત ન કરવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
