ટ્રેનોમાં વધારાનો સામાન લઈ જવો થયો સરળ: ૩૧ જુલાઈથી બદલાઈ રહ્યા છે રેલવેના નિયમો
ભારતીય રેલવેમાં મુસાફરી કરનારા લાખો મુસાફરો માટે એક મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વધુ કે ભારે સામાન (Excess Luggage) સાથે રાખતા મુસાફરો માટે રેલવે મંત્રાલય એક નવી ડિજિટલ સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે.૩૧ જુલાઈ ૨૦૨૬ થી અમલી બનનારી આ નવી ઓનલાઈન લગેજ બુકિંગ સિસ્ટમ હેઠળ મુસાફરો હવે સ્ટેશનની પાર્સલ ઓફિસની લાંબી લાઈનોમાં ઊભા રહ્યા વગર ઘરે બેઠા જ પોતાના વધારાના સામાનનું બુકિંગ કરી શકશે.
ભારતીય રેલવે મુસાફરોની સફર સુગમ, સુવિધાયુક્ત અને ઝંઝટમુક્ત બનાવવા માટે ટેકનોલોજી આધારિત સતત નવા પગલાં ભરી રહી છે. આ જ શ્રેણીમાં આગળ વધતાં, રેલવે વિભાગ ૩૧ જુલાઈ ૨૦૨૬ થી સમગ્ર દેશમાં ‘ઓનલાઈન લગેજ બુકિંગ સેવા’ શરૂ કરવા જઈ રહ્યું છે.
હવે કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોએ પોતાના મફત ક્વોટા કરતાં વધુ સામાન સાથે લઈ જવા માટે સ્ટેશને વહેલા પહોંચીને પાર્સલ ઓફિસોમાં લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં. આ નવી સિસ્ટમથી સ્ટેશન પર છેલ્લી ઘડીએ થતી અંધાધૂંધી અને સ્ટાફ સાથે થતી બોલાચાલી કે વિવાદોમાં મોટો ઘટાડો થશે.

ઘરે બેઠા ઓનલાઈન સામાન કેવી રીતે બુક કરવો?
ઓનલાઈન લગેજ બુકિંગની પ્રક્રિયા અત્યંત સરળ રાખવામાં આવી છે. આ માટે મુસાફરે રેલવેના સત્તાવાર પાર્સલ પોર્ટલ (parcel.indianrail.gov.in) પર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
લોગ-ઈન કર્યા બાદ મુસાફરીનું સ્ટેશન અને ટ્રેન નંબર પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ ‘ઈ-ફોરવર્ડિંગ નોટ’ માં સામાનની સંખ્યા, વજન અને પ્રકારની વિગતો દાખલ કરવાની રહેશે. વિગતો ભરતાં જ પોર્ટલ પર લાગુ પડતું અંદાજિત ભાડું દર્શાવવામાં આવશે.
ફોર્મ ભરીને ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી મુસાફરને એક ‘ઈ-ફોરવર્ડિંગ નોટ’ મળશે. મુસાફરીના દિવસે આ નોટની પ્રિન્ટઆઉટ સાથે સામાન પ્રસ્થાન સ્ટેશનની પાર્સલ ઓફિસે જમા કરાવવાનો રહેશે. ત્યાં સ્ટાફ વજન ચકાસીને આખરી ‘રેલવે રસીદ’ (RR) આપશે. આ રસીદના આધારે મુસાફર પોતાના સામાનનું લાઈવ ઓનલાઈન લોકેશન પણ ટ્રેક કરી શકશે અને ગંતવ્ય સ્ટેશને રસીદ બતાવી સામાન મેળવી શકશે.

કયા વર્ગમાં કેટલો સામાન મફત લઈ જઈ શકાશે?
રેલવેએ ટ્રેનના વિવિધ ક્લાસ મુજબ મફત સામાનની મર્યાદા (Free Allowance) અને મહત્તમ વજનની લિમિટ નક્કી કરી છે:
-
એસી ફર્સ્ટ ક્લાસ (AC 1st Class): મુસાફર ૭૦ કિલો સુધીનો સામાન મફતમાં લઈ જઈ શકે છે, જ્યારે નિયત ચાર્જ ચૂકવીને વધુમાં વધુ ૧૫૦ કિલો સુધીની પરવાનગી મળે છે.
-
ફર્સ્ટ ક્લાસ અને એસી ૨-ટાયર (AC 2-Tier): આ વર્ગમાં પચાસ (૫૦) કિલો સામાન મફત છે, જ્યારે વધારાના ચાર્જ સાથે મહત્તમ ૧૦૦ કિલો સુધીની છૂટ આપવામાં આવે છે.
-
સ્લીપર ક્લાસ (Sleeper Class): મુસાફર ૪૦ કિલો સુધીનો સામાન મફતમાં રાખી શકે છે, જ્યારે મહત્તમ મર્યાદા ૮૦ કિલો નક્કી કરાઈ છે.
-
સેકન્ડ / જનરલ ક્લાસ (General Class): સામાન્ય વર્ગમાં ૩૫ કિલો મફત સામાન અને મહત્તમ ૭૦ કિલો સુધીની પરવાનગી છે.
-
એસી ૩-ટાયર અને એસી ચેર કાર (AC 3-Tier & Chair Car): આ બંને વર્ગોમાં મુસાફરો માટે મફત અને મહત્તમ બંને મર્યાદા ૪૦ કિલો જ રાખવામાં આવી છે. એટલે કે, આ કોચમાં વધારાનો સામાન ઓનલાઈન બુક કરવાની પરવાનગી મળતી નથી.
સામાનનું કદ અને વધારાના ચાર્જનું ગણિત
માત્ર વજન જ નહીં, પરંતુ કોચમાં જગ્યાની બચત અને અન્ય મુસાફરોની સુવિધા માટે રેલવેએ બેગના કદ (Dimensions) અંગે પણ સ્પષ્ટ નિયમો બનાવ્યા છે.
એસી ૩-ટાયર અને ચેર કારમાં બેગનું કદ ૫૫ સેમી x ૪૫ સેમી x ૨૨.૫ સેમીથી વધુ ન હોવું જોઈએ. જ્યારે એસી ૧, એસી ૨-ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસ માટે બેગનું મહત્તમ કદ ૧૦૦ સેમી x ૬૦ સેમી x ૨૫ સેમી નક્કી કરવામાં આવ્યું છે.
જો કોઈ મુસાફરનો સામાન નિર્ધારિત મફત મર્યાદા કરતાં વધુ હશે, તો તેણે સામાન્ય પાર્સલ દર કરતા ૧.૫ ગણો (દંડ સહિતનો) ચાર્જ ચૂકવવો પડશે. આ માટે લઘુત્તમ સામાન ચાર્જ ₹૩૦ રાખવામાં આવ્યો છે, જે ૧૦ કિલોના સ્લેબ અને લઘુત્તમ ૫૦ કિલોમીટરના અંતરના આધારે ગણવામાં આવશે.