ગુજરાતમાં બરાબર એક મહિના અગાઉ કોરોનાથી ભયાવહ સ્થિતિ હતી અને 12 હજારથી વધુ દૈનિક કેસ-૧૨૦થી વધુના મૃત્યુ નોંધાઇ રહ્યા હતા. પરંતુ છેલ્લા બે સપ્તાહથી કોરોનાના કેસમાં થઇ રહેલા સતત ઘટાડાથી રાહતજનક ચિત્ર સામે આવી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૪૮ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૨ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં ૯૦૦થી ઓછા કેસ નોંધાયા હોય તેવું ૮૨ દિવસે જ્યારે ૧૫થી ઓછા મૃત્યુ નોંધાયા હોય તેવું ૬૩ દિવસમા પ્રથમવાર બન્યું છે. આ ઉપરાંત ૭ એપ્રિલ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૨૦ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં હાલ ૧૮,૦૦૮ એક્ટિવ કેસ છે જ્યારે ૩૭૧ દર્દી વેન્ટિલેટર પર છે.ગુજરાતમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. ત્યારે આ મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. કોરોના પર કાબૂ મેળવવા માટે 50 ટકા કરતા વધુ વેક્સિનેશન થાય તે જરૂરી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને પણ આગોતરી તૈયારીઓ કરી છે.છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા શહેરમાં ૧૬૫-ગ્રામ્યમાં ૬૫ સાથે ૧૯૧, અમદાવાદ શહેરમાં ૧૨૬-ગ્રામ્યમાં ૮ સાથે ૧૩૪, સુરત શહેરમાં ૯૧-ગ્રામ્યમાં ૫૦ સાથે ૧૪૧ નવા કેસ સામે આવ્યા છે. આમ, બે મહિના બાદ ગુજરાતના તમામ જિલ્લાઓમાં દૈનિક કેસનો આંક ૨૦૦થી નીચે આવ્યો છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૫૬ સાથે જુનાગઢ, ૪૯ સાથે રાજકોટ, ૩૯ સાથે ગીર સોમનાથ, ૩૧ સાથે જામનગર, ૧૮ સાથે પંચમહાલ, ૧૭ સાથે સાબરકાંઠા, ૧૬ સાથે દેવભૂમિ દ્વારકા, ૧૫ સાથે નવસારી, ૧૪ સાથે ખેડા-વલસાડ, ૧૩ સાથે પોરબંદર, ૧૨ સાથે ભાવનગર, ૧૧ સાથે ગાંધીનગરનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર, અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, બોટાદ એમ ૬ જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૩, સુરતમાંથી ૨, વડોદરા-ગીર સોમનાથ-ગાંધીનગર-ભાવનગર-અરવલ્લી-જામનગરમાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે ૯૯૩૩ છે. છેલ્લા ૨૪ કલાકમાં વડોદરામાંથી ૭૭૦, અમદાવાદમાંથી ૪૫૭, સુરતમાંથી ૨૧૪, જામનગરમાંથી ૩૧૭ એમ રાજ્યભરમાંથી ૨૯૧૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધી કુલ ૭,૮૮,૨૯૩ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૬.૫૮% છે. વધુ ૭૮,૪૫૬ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૨.૨૧ કરોડ છે. રાજ્યમાં હાલ ૧,૧૧,૭૪૬ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
