ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઓસરી રહ્યો છે. દેશમાં બે મહિનામાં પ્રથમ વખત એટલે કે ૬૬ દિવસ પછી કોરોનાના દૈનિક કેસ એક લાખથી ઓછા થયા છે જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને ૪.૬૨ ટકા થયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં મંગળવારે સમાપ્ત થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૮૬,૪૯૮ કેસ નોંધાયા હતા, જે ૬૬ દિવસમાં સૌથી ઓછા છે. જે છેલ્લા બે મહિનાના સૌથી ઓછા કેસ છે. આ સાથે કુલ કેસ ૨.૮૯ કરોડથી વધારે થયા છે. વધુમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨,૧૨૩નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૩.૫૧ લાખ થયો હતો. દૈનિક મોતનો આંક પણ છેલ્લા ૪૭ દિવસમાં સૌથી ઓછો છે. કોરોનાના એક્ટિવ કેસ પણ ઘટીને ૧૩.૦૩ લાખ થયા છે, જે કુલ કેસના ૪.૫૦ ટકા જેટલા છે જ્યારે રિકવરી રેટ સુધરીને ૯૪.૨૯ ટકા થયો છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને ૪.૬૨ ટકા થયો છે. સતત ૧૫ દિવસથી પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી નીચે રહ્યો છે.
દેશમાં ૭મી મેના રોજ કોરોના મહામારીની બીજી લહેરની પીક સમયના કેસની સરખામણીમાં મંગળવારે કોરોનાના દૈનિક કેસમાં અંદાજે ૭૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. એક મહિના અગાઉ કોરોનાના દૈનિક કેસ ચાર લાખથી વધુ નોંધાયા હતા. દરમિયાન કોરોનાના કેસ ઘટતા બિહારમાં ૯મી જૂનથી લૉકડાઉન દૂર કરાશે, પરંતુ નાઈટ કરફ્યૂ યથાવત્ રહેશે. ઉત્તર પ્રદેશ સરકારે પણ ૭૫ જિલ્લામાં નિયંત્રણો દૂર કર્યા છે. જોકે, રાજ્ય સરકારે નાઈટ કરફ્યૂ અને વીકએન્ડ કરફ્યૂ યથાવત્ રાખ્યા છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં સતત ૨૬મા દિવસે કોરોનાના નવા કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓની સંખ્યા ૨.૭૩ કરોડ થઈ છે. દેશમાં છેલ્લે બીજી એપ્રિલે કોરોનાના દૈનિક ૮૧,૪૬૬ કેસ નોંધાયા હતા, ત્યાર પછી કોરોનાના કેસ વધવાના શરૂ થયા હતા, જે ૭મી મેના રોજ પીક પર પહોંચી ૪.૧૪ લાખથી વધુ દૈનિક કેસ નોંધાયા હતા.