ક્રિપ્ટો કરન્સીમાં મંદીનો તીવ્ર આંચકો આવતાં બજારમાં 10થી 15 ટકાનો ભાવ કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ ટૂંકા ગાળામાં ઝડપથી ગબડતાં ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. નવું બાઈંગ ધીમું પડયું હતું.
ચીનમાં સરકાર દ્વારા ક્રિપ્ટો માઈનર્સ પર દબાણ વધારવામાં આવ્યાના સમાચાર હતા. અમેરિકામાં સરકાર દ્વારા હાલ જે હળવી નાણાંનિતી અનુસરવામાં આવી રહી છે તે હવે પછી કડક બનાવવામાં આવશે એવા નિર્દેશોની પણ બજાર પર નેગેટીવ અસર જોવા મળી હતી તથા બજારમાં ગભરાટભરી વેચવાલી નિકળી હતી.
બિટકોઈનના ભાવમાં દસ દિવસનો સૌથી મોટો ભાવ ઘટાડો 10થી 11 ટકાનો નોંધાયો હતો. બિટકોઈનના ભાવ ઉંચામાં 36165થી 36166 ડોલર થયા પછી ઝડપી ગબડી નીચામાં ભાવ 32211થી 32212 ડોલર થઈ 32279થી 32280 ડોલર રહ્યા હતા.
ટ્રેડિંગ વોલ્યુમ 29થી 30 અબજ ડોલરથી વધી આજે 41થી 42 અબજ ડોલર થયું હતું. આમ વધતા વોલ્યુમ સાથે બજાર તૂટતાં વેચવાલીનો મારો વધ્યાના સંકેતે આજે મળ્યા હતા. દરમિયાન, ભાવ ગબડતાં આજે બિટકોઈનનું માર્કેટ કેપ આશરે 70 અબજ ડોલર ઘટી 604થી 605 અબજ ડોલર નોંધાયું હતું.
દરમિયાન, ક્રિપ્ટો એક્સચેન્જોમાંથી બિટકોઈનનો આઉટફલો વધી આજે સાત મહિનાની ટોચે પહોંચ્યો હતો. બિટકોઈનમાં હવે નીચામાં 30 હજાર ડોલર તથા ત્યારબાદ 27 હજાર ડોલરની સપાટી મહત્ત્વની મનાઈ રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. બિટકોઈન સામે અન્ય ક્રિપ્ટો કરન્સીઓ પણ ગબડી હતી. ઈથેરના ભાવ આજ 14થી 15 ટકા તૂટયા હતા.