દેશમાં કોરોનાની મહામારી વચ્ચે બ્લેક ફંગસના કેસમાં વધારો થયો છે. દેશમાં બ્લેક ફંગસના કેસ કેમ વધ્યા તેની પાછળ કેટલાક કારણ પણ જવાબદાર છે. પોસ્ટ કોવિડ બાદ દેશમાં બ્લેક ફંગસના કેસમાં વધારો થયો છે. કોરોના વાઇરસ મહામારી પહેલાં દુનિયાભરમાં 38 દેશોએ મ્યુકરમાયકોસિસના કેસના રિપોર્ટ આપ્યા હતા. હવે ભારત સહિત કેટલાક અન્ય દેશોમાં પણ મ્યુકરમાયકોસિસના કેસ સામે આવ્યા છે, જ્યાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધુ છે.જાણકારોનું કહેવું છે કે, ઘણા કેસમાં દર્દીઓને એ વાતની ખબર નથી હોતી કે તેમને ડાયાબિટીસ છે. આઈટીએફના એક અનુમાન અનુસાર, ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં અંદાજે 57 ટકા લોકોને ડાયાબિટીસ અંગે ખબર જ હોતી નથી. ડાયાબિટીસના મોટા ભાગના કેસની ખબર સ્વાસ્થ્યની અન્ય બીમારીઓની તપાસ વખતે પડે છે અને તેની સારવાર કરાતી નથી. ડાયાબિટીસને કાબૂમાં ન રાખવાને કારણે કેટલાંક સંક્રમણ થવાની શક્યતા વધુ રહે છે, જેમાં ફંગલ ઇન્ફેક્શન પણ સામેલ છે.કોવિડના કેટલાક દર્દીઓની સારવારમાં અંધાધૂંધ સ્ટેરૉઇડ આપવામાં આવી જેથી મ્યુકરમાયકોસિસના કેસ વધ્યા છે. ભારતમાં કોવિડના દર્દીઓની સારવારમાં બે સ્ટેરૉઇડ ખાસ પ્રચલિત છે- જેમા ડેક્સામેથાસોન અને મિથાઇલપ્રેડનિસોલોનનો સમાવેશ થાય છે. સ્ટેરોઈડના બેફામ ઉપયોગના કારણે મ્યુકરમાયકોસિસ જેવા બહુ ગંભીર લક્ષણ પેદા થયા. દેશમાં કેટલાંક રાજ્યોમાં હોમ આઇસોલેશન કિટની સાથે લોકોને ડેક્સામેથાસોન આપવામાં આવી. જેથી બ્લેક ફંગસના વધુ કેસ ભારતમાં જોવા મળ્યા છે.
