ડિપ્રેશન દૂર કરવા માટે શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નવી પદ્ધતિ શોધી કાઢી છે. વૈજ્ઞાનિકોએ લાફિંગ ગેસ અર્થાત નાઈટ્રસ ઓક્સાઈડની મદદથી ડિપ્રેશનની સારવાર શોધી કાઢી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લાફિંગ ગેસ સુંઘાડીને ડિપ્રેશનનાં લક્ષણો ઓછા કરી શકાય છે. આ પદ્ધતિ એવા લોકો પર પણ અસરકારક સાબિત થશે જેમને એન્ટિ ડિપ્રેસેન્ટ દવાઓની પણ અસર થતી નથી. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, દર્દીઓને 25% લાફિંગ ગેસ સુંઘાડવામાં આવ્યો. તેની સામાન્ય આડઅસર જોવા મળી, પરંતુ સારવારની અસર આશા કરતાં વધારે સમય સુધી જોવા મળી. લાફિંગ ગેસનો ઉપયોગ એવા દર્દીઓ પર પણ કરવામાં આવી શકે છે જેમને તાત્કાલિક સારવારની જરૂર હોય. રિસર્ચર અને એનેસ્થીસિયોલોજીસ્ટ પીટર નાગેલેનું કહેવું છે કે, રિસર્ચમાં સામેલ 24 દર્દીઓને 1 કલાક સુધી લાફિંગ ગેસ સુંઘાડવામાં આવ્યો. આ દરમિયાન નાઈટ્રસ ગેસનું લેવલ 25% અને 50% બંને રાખવામાં આવ્યું. તપાસમાં માલુમ પડ્યુંકે 50% નાઈટ્રસ ઓક્સાઈડની સરખામણીએ 25% કોન્સન્ટ્રેશનવાળો ગેસ વધારે કારગર સાબિત થયો.
