કોમનવેલ્થ ગેમ્સ 2026: 31 જુલાઈએ ભારત માટે મેડલનો મોટો દિવસ, નીરજ ચોપરા અને બોક્સિંગ ગૌરવ અપાવવા તૈયાર
ગ્લાસગોમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન સતત જારી છે. સ્પર્ધાના આઠમા દિવસ સુધીમાં ભારતે વિવિધ રમતોમાં કુલ 17 મેડલ મેળવીને પોતાના અભિયાનને મજબૂત બનાવ્યું છે. હવે 31 જુલાઈના રોજ ભારતીય રમતવીરો બોક્સિંગ, એથ્લેટિક્સ, જુડો અને ટ્રેક સાયકલિંગ જેવી સ્પર્ધાત્મક રમતોમાં પોતાનું કૌવત બતાવશે. આજના દિવસનો સૌથી મોટો આકર્ષણ પુરુષોની ભાલા ફેંકની ફાઇનલ મેચ રહેશે, જ્યાં નીરજ ચોપરા ભારત માટે વધુ એક સુવર્ણચંદ્રક જીતવાના દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે.
એથ્લેટિક્સમાં નીરજ ચોપરા અને તેજસ્વિન શંકર પર નજર
એથ્લેટિક્સમાં ભારત માટે 31 જુલાઈનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. ભાલા ફેંક (જેવલિન થ્રો) ફાઇનલમાં વિશ્વ વિખ્યાત એથ્લીટ નીરજ ચોપરા સાથે રોહિત યાદવ અને યશ વીર સિંહ પણ ભારતીય પડકાર રજૂ કરશે. નીરજ ચોપરા પાસેથી દેશને ફરી એકવાર ગોલ્ડ મેડલની આશા છે. આ ફાઇનલ સ્પર્ધા મોડી રાત્રે યોજાશે.

બીજી તરફ, ડેકાથલોન સ્પર્ધામાં ભારતનો તેજસ્વિન શંકર દિવસ દરમિયાન વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લેશે. જેમાં 110 મીટર હર્ડલ્સ, ડિસ્કસ થ્રો, પોલ વોલ્ટ, ભાલા ફેંક અને અંતે 1500 મીટર દોડનો સમાવેશ થાય છે. ડેકાથલોનના આકરી સ્પર્ધાઓના અંતે તેજસ્વિન પોઈન્ટ્સના આધારે મેડલ જીતવા માટે પ્રયત્ન કરશે. આ ઉપરાંત, મિશ્ર 4×400 મીટર રિલે હીટ્સમાં વિશાલ ટીકે, રાજેશ રમેશ, રશદીપ કૌર અને નીરુ પાઠક ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. 400 મીટર હર્ડલ્સ ફાઇનલમાં યશસ પલકશા અને સંતોષ કુમાર તમિલરાસન પણ મેડલ માટે દોડશે.
બોક્સિંગમાં સેમિ-ફાઇનલનો ધમાકો: મેડલ પાક્કા પણ રંગ બદલવાની લડાઈ
બોક્સિંગ રિંગમાં ભારતીય મુક્કાબાજોએ પહેલેથી જ શ્રેષ્ઠ દેખાવ કરીને મેડલ નિશ્ચિત કરી લીધા છે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટની વહેલી સવાર દરમિયાન યોજાનારી સેમિ-ફાઇનલ મેચોમાં ભારતીય બોક્સરો પોતાના મેડલનો રંગ સિલ્વર અથવા ગોલ્ડમાં બદલવાના હેતુથી રિંગમાં ઉતરશે.
મહિલા વિભાગમાં પ્રીતિ પવાર (54 કિગ્રા) ઝામ્બિયાની કેથરિન મ્વાપે સામે, જૈસ્મીન લેમ્બોરિયા (57 કિગ્રા) લેસોથોની રેપેલાંગ માસેલેલા સામે અને અરુંધતી ચૌધરી (70 કિગ્રા) વેલ્સની રોઝી એકલ્સ સામે પોતાની સેમિ-ફાઇનલ રમશે. આ સિવાય સાક્ષી ચૌધરી (51 કિગ્રા), પ્રિયા ઘંઘાસ (60 કિગ્રા) અને ઓલિમ્પિક મેડલ વિજેતા લોવલીના બોર્ગોહેન (75 કિગ્રા) પણ પોતપોતાની કેટેગરીમાં ફાઇનલમાં પહોંચવા માટે બાજી લગાવશે.
પુરુષોના બોક્સિંગમાં અંકુશ પંઘાલ (80 કિગ્રા), જદુમણી સિંહ (55 કિગ્રા), સચિન સિવાચ (60 કિગ્રા) અને હેવીવેઈટ શ્રેણીમાં નરેન્દ્ર બેરવાલ (90+ કિગ્રા) સેમિ-ફાઇનલમાં પોતાની તાકાત બતાવશે. જો આ બોક્સરો જીત મેળવશે તો ભારત માટે ગોલ્ડ મેડલની શક્યતાઓ ઘણી વધી જશે.

જુડો, લૉન બાઉલ્સ અને ટ્રેક સાયકલિંગમાં પણ સંગ્રામ
જુડો રમતમાં ભારતીય ખેલાડીઓ આજે પોતાના અભિયાનની શરૂઆત કરશે. પુરુષોની 60 કિગ્રા કેટેગરીમાં હર્ષ સિંહ, 66 કિગ્રામાં રોહિત બશીર મઝગુલ, અને મહિલા શ્રેણીમાં શ્રદ્ધા ચોપડે (52 કિગ્રા), અસ્મિતા ડે (48 કિગ્રા) તથા યામિની મૌર્ય (47 કિગ્રા) ક્વાર્ટર અને એલિમિનેશન રાઉન્ડમાં ભાગ લેશે. જુડોમાં જો ભારતીય ખેલાડીઓ શરૂઆતી રાઉન્ડ જીતવામાં સફળ રહે છે તો ભારતની મેડલ ટેલીમાં વધુ વધારો થઈ શકે છે.
ટ્રેક સાયકલિંગમાં દિનેશ કુમાર અને હર્ષવીર સિંહ સેખોન પુરુષોની 4000 મીટર વ્યક્તિગત પર્સ્યુટ રાઉન્ડ 1 માં ભાગ લેશે. જો તેઓ ક્વોલિફાય થશે તો મોડી રાત્રે મેડલ ફાઇનલમાં રમશે. આ ઉપરાંત, કીરિન ઇવેન્ટમાં રોનાલ્ડો સિંહ લાઇટોંજમ, ડેવિડ બેકહામ અને જેમેશ સિંહ પોતાની પ્રતિભા બતાવશે. લૉન બાઉલ્સમાં દિનેશ કુમાર અને નવનીત સિંહની જોડી ફોકલેન્ડ ટાપુઓ સામે રમશે, જ્યારે નયનમોની સૈકિયા મહિલા સિંગલ્સમાં ઝામ્બિયાની ખેલાડી સામે ઉતરશે.