RAJKOT છાણી જકાતનાકા વિસ્તારની મેઘધનુષ સોસાયટીમાં રહેતા ધાર્મીબેન શૈલેષભાઇ ભૂતે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન તા.૧-૧૨-૨૦૨૦ના રોજ શૈલેષ કાંતિભાઇ ભૂત સાથે થયા હતા. મારા પતિ રોજ રાતે પુષ્કળ દારૃ પીને આવતા હતા અને મારી સાથે નાની નાની બાબતોમાં તકરાર કરી મારઝૂડ કરતા હતા. આવુ લગભગ અઠવાડિયા સુધી ચાલ્યુ હતું. આ અંગે મેં ઘરના વડીલોને જાણ કરતા તેઓ મને મહેણાં ટોણાં મારતા હતા કે, તારા પિતાના ઘરેથી કશુ લાવી નથી. અમારા પુત્રને ધંધા માટે પચાસ લાખની જરૃરિયાત છે. તારા પિતા વ્યવસ્થા કરવાનું કહીને ફરી ગયા છે. અમારે તને ઘરમાં રાખવી નથી. તારે અમારા ઘરમાં રહેવુ હોય તો તારા પિતા પાસેથી ૫૦ લાખની વ્યવસ્થા કરી લાવ. મેં તેઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, આટલી મોટી રકમની વ્યવસ્થા કરવાની મારા પિતાની ક્ષમતા નથી.
મારી વાત સાંભળીને મને માર મારીને રૃમમાં પૂરી દીધી હતી અને બે દિવસ સુધી જમવાનું પણ આપ્યુ નહતું. મારા બેન બનેવી પણ તેઓને સમજાવવા માટે આવ્યા હતા પરંતુ તેઓ માન્યા ન હતા અને વાળ પકડીને પહેરેલા કપડે મને કાઢી મુકી હતી. જેથી હું મારી બેનના ઘરે જતી રહી હતી.
લગ્નના ૨૦ દિવસમાં જ આવો બનાવ બનતા મને ખૂબ જ આઘાત લાગ્યો હતો. મારા પિતા અને સમાજના લોકોએ વચ્ચે પડીને મને પરત સાસરીમાં મુકી આવ્યા હતા. મારા પિતાએ કહ્યું હતું કે, તમે મારી દિકરીને કોઇ દુખ આપશો નહી. હું વેચાઇને પણ તમારા ધંધા માટેના રૃપિયાની વ્યવસ્થા કરી આપીશ. પરંતુ, થોડા દિવસો પછી ફરીથી મને ત્રાસ આપવાનું શરૃ થયુ હતું.મને પહેરેલા કપડે કાઢી મુકી મારા પિતાને જણાવ્યું હતું કે, પૈસાની વ્યવસ્થા ન થાય તો તમારી દીકરીને ભિખારી સાથે પરણાવી દેજો. અમારે તેની જરૃર નથી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે પરિણીતાના પતિ શૈલેષ, સસરા કાંતિભાઇ, સાસુ ગીતાબેન, જેઠ સંદિપભાઇ અને જેઠાણી ચાંદનીબેન (તમામ રહે. શ્રી ઉમિયા પાર્ક સોસાયટી, રૈયા રોડ, રાજકોટ) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.