પવન એ ઊર્જાનો એક મહત્વપૂર્ણ સ્રોત છે. અનેક દેશો વિન્ડ એનર્જી પર કામ કરી રહ્યા છે. ગુજરાત પણ તેમાં અગ્રેસર સાબિત થયું છે. વિન્ડ પાવર જનરેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા ક્રમે આવ્યું છે. રાજ્યમાં એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ દરમ્યાન કોરોના સંક્રમણના સમયમાં વિન્ડ પાવરની જનરેશન કેપેસિટી ૧૦૨૦ મેગાવોટ થઇ છે જે વિન્ડ પાવર પ્રોજેક્ટ ધરાવતા દેશના ટોચના પાંચ રાજ્યોમાં પ્રથમક્રમે છે.
આ સમયગાળામાં તામિલનાડુમાં ૩૦૩ મેગાવોટ, કર્ણાટકમાં ૧૪૮ મેગાવોટ, રાજસ્થાનમાં ૨૭ મેગાવોટ તેમજ આંધ્રપ્રદેશમાં ચાર મેગાવોટ કેપેસિટીમાં વધારો થયો છે. આ સાથે ગુજરાતની પાવર જનરેશનની કુલ ઓપરેશનલ કેપેસિટી ૭૫૪૧.૫ મેગાવોટથી વધીને ૮૫૬૧.૮ મેગાવોટ થઇ છે. છેલ્લા વર્ષની તુલનામાં ગુજરાતે ૧૪૬૮.૪ મેગાવોટની કેપેસિટીનો વિસ્તાર કર્યો છે.
રાજ્યના ઉર્જા વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે દેશમાં વિન્ડ પાવર જનરેશન કેપેસિટીમાં તામિલનાડુ પ્રથમક્રમે છે. આ રાજ્યમાં કુલ કેપેસિટી ૧૦,૦૦૦ મેગાવોટ સુધી પહોંચવાની તૈયારી છે. ૨૦૧૯ના વર્ષમાં રાજ્યમાં ૯૫૦૦ મેગાવોટની કેપેસિટી નોંધવામાં આવી છે. બીજા નંબરે આવેલા ગુજરાતમાં ૨૦૧૮માં પાવર જનરેશન કેપેસિટી ૬૦૪૪ મેગાવોટ હતી જે ૨૦૧૯માં વધીને ૭૮૫૫ મેગાવોટ થઇ હતી અને હવે છેલ્લા રિપોર્ટ પ્રમાણે ૮૫૬૧.૮ મેગાવોટ થઇ છે.
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં વિન્ડ પાવર પ્રોજેક્ટમાં જનરેશન કેપેસિટી ૪૯૦૦ મેગાવોટ સુધી પહોંચી છે જ્યારે કર્ણાટકની કેપેસિટી ૪૮૦૦ મેગાવોટ જોવા મળી છે. રાજસ્થાનનો ક્રમ પાંચમો છે. આ રાજ્યમાં પાવર જનરેશન કેપેસિટી ૪૪૦૦ મેગાવોટની થવા જાય છે.
ભાજપના કુલ નવ રાજ્યોમાં વિન્ડ પાવર પ્રોજેક્ટ એવા છે કે જ્યાં પાવર જનરેશન કેપેસિટીમાં વધારો થઇ રહ્યો છે. અન્ય રાજ્યોમાં આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને કેરાલાનો સમાવેશ થાય છે. દેશની કુલ ઇન્સ્ટોલ વિન્ડ કેપેસિટી ૩૭૫૦૦ મેગાવોટ કરતાં વધારે છે જે ૨૦૧૮માં ૩૫૬૨૬ અને ૨૦૧૭માં ૩૪૦૪૬ મેગાવોટ જોવા મળી હતી.
દેશમાં ૨૦૦૫ના વર્ષમાં વિન્ડ પાવર ઇન્સ્ટ્રોલ કેપેસિટી માત્ર ૬૨૭૦ મેગાવોટ જોવા મળી હતી. વિશ્વના દેશોમાં ભારત અને ચાઇના એવા દેશો છે કે જ્યાં વિન્ડ પાવર પ્રોજેક્ટ મોટી માત્રામાં આવેલા છે અને વીજળીનું ઉત્પાદન કરે છે.