સ્પેનમાં 28 વર્ષીય આરોપીએ પોતાની જ જનેતાનું મર્ડર કરીને ક્રૂરતાની બધી હદ વટાવી લીધી. અલ્બર્ટો ગોમેઝે મર્ડર કરીને લાશના 1000 ટુકડા કર્યા અને પછી 15 દિવસ સુધી તેને ફ્રિજમાં રાખીને ખાધા. આ નરભક્ષીએ તેના ડોગને પણ લાશના ટુકડા ખવડાવ્યા. પોલીસે આરોપી અલ્બર્ટોની વર્ષ 2019માં ધરપકડ કરી હતી. હાલ કોર્ટે તેને 15 વર્ષની જેલની સજા ફટકારી છે અને તેના ભાઈને 53 લાખ રૂપિયાનું વળતર આપવાનો ઓર્ડર આપ્યો છે. અલ્બર્ટોનો કેસ સામે આવ્યો ત્યારે આખા શહેરમાં ચકચાર થઈ ગઈ હતી. કોઈ વ્યક્તિ પોતાની માતાને આટલી નિર્દયી રીતે કઈ રીતે મારી શકે? અને મારીને તેને ખાઈ કેવી રીતે શકે? માતાની ક્રૂર હત્યા કર્યા પછી અલ્બર્ટોએ પોતે પાગલ હોવાનાં નાટક શરૂ કર્યા હતા, પણ કોર્ટે તેની દલીલ ફગાવી દીધી હતી. અલ્બર્ટો તેની 68 વર્ષીય માતા સાથે મેડ્રિડ શહેરમાં રહેતો હતો. એક દિવસ માતા સાથે ઝઘડો થતાં તેણે ગળું દબાવીને હત્યા કરી અને પછી કારપેન્ટરનાં સાધનોથી લાશના કટકા કર્યા. આ બધા કટકા તેણે ફ્રિજમાં મૂક્યા. 15 દિવસ સુધી મનુષ્યનું માંસ ખાતો રહ્યો અને પોતાની પાલતુ કૂતરાને પણ ખવડાવ્યું. 21 ફેબ્રુઆરી, 2019ના રોજ પોલીસે અલ્બર્ટોની ધરપકડ કરી હતી. 26 વર્ષની ઉંમરે અલ્બર્ટોએ માતાનું મર્ડર કર્યું હતું. અલ્બર્ટોની માતા ઘણા દિવસથી અચાનક ગાયબ થતાં તેની એક મિત્રએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ તપાસ કરવા અલ્બર્ટોના ઘરે પહોંચી તો ત્યાં લાશના ટુકડા જોઇને ચોંકી ગઈ હતી.
