સીજેપી નેતા અભિજીત દિપક્કે વડાપ્રધાન પર સાધ્યું નિશાન: ‘૧૨ વર્ષના બાળકો’ પર પોલીસ અત્યાચાર બદલ PM મોદી માફી માંગે
જંતર-મંતર અને સંસદ માર્ચ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ મુદ્દા રાજકીય ગરમાવો; પીએમના ‘ક્ષમા સંદેશ’ સામે સીજેપીની આકરી પ્રતિક્રિયા.
દિલ્હીમાં ગત ૨૦ જુલાઈના રોજ યોજાયેલી સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓ પર થયેલા કથિત પોલીસ લાઠીચાર્જ અને બળપ્રયોગનો મુદ્દો હવે દેશમાં વધુ ઘેરો બની રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપક્કે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. દિપક્કે માંગ કરી હતી કે ૨૦ જુલાઈના વિરોધ પ્રદર્શન દરમિયાન “૧૨ વર્ષના બાળકો” અને મહિલાઓ પર થયેલી કથિત પોલીસ ક્રૂરતા બદલ વડાપ્રધાને જાહેરમાં દેશ અને વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ.
દિપક્કે વડાપ્રધાન મોદીના એ મોડી રાતના વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં પીએમે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને તેમના પ્રત્યેના અયોગ્ય વ્યવહાર બદલ “માફ” કર્યા હોવાની વાત કરી હતી.

‘બાળકોને માફ કરવાના વીડિયો બાદ હવે પોલીસ બર્બરતા બદલ માફીનો વીડિયો મુકે પીએમ’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો સંદેશ જારી કરતા સીજેપી સ્થાપક અભિજીત દિપક્કે વડાપ્રધાનના નિવેદન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ગઈકાલે રાત્રે દેશના તમામ લોકોએ વડાપ્રધાનનો વીડિયો જોયો, જેમાં તેઓ વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનોને માફ કરવાની વાતો કરી રહ્યા છે.
દિપક્કે પોતાના વીડિયોમાં આકરા શબ્દોમાં જણાવ્યું:
“કાલે આપણે બધાએ મોદીજીનો વીડિયો જોયો જેમાં તેઓ કહી રહ્યા હતા કે તેઓ બાળકોને માફ કરી રહ્યા છે. મને આશા છે કે તેઓ આજે રાત્રે બીજો વીડિયો પણ અપલોડ કરશે, જેમાં તેઓ ૨૦ જુલાઈના રોજ થયેલા ક્રૂર લાઠીચાર્જ બદલ દેશના નાગરિકોની માફી માંગશે.”
વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો ભયાનક ચિતાર આપતા દિપક્કે ગંભીર આક્ષેપો મૂક્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે:
“પોલીસે વિરોધ કરી રહેલી ૧૨ વર્ષની નાની છોકરીઓના માથા પર લાઠીઓ મારી હતી.”
“આંદોલનમાં જોડાનાર મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અને તેમના કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા.”
“મહિલાઓ અને નાની છોકરીઓને અત્યંત નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.”
તેમણે ઉમેર્યું કે, “આવા સંજોગોમાં હું ઈચ્છું છું કે મોદીજી પોતે આગળ આવે અને તે નિર્દોષ છોકરીઓ અને વિદ્યાર્થીઓની માફી માંગે જેમને પોલીસે આટલી ક્રૂરતાથી નિશાન બનાવ્યા હતા.”
Will PM Modi seek forgiveness for the brutal lathi-charge on students? pic.twitter.com/4HtYoksu0E
— Abhijeet Dipke (@abhijeet_dipke) August 1, 2026
પીએમ મોદીનો વીડિયો: “ગેરમાર્ગે દોરાયેલા બાળકોને સજા નહીં, માર્ગદર્શન જોઈએ”
આ અગાઉ, શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક ભાવુક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો. જંતર-મંતર ખાતે આંદોલન દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા તેમના અને તેમની સ્વર્ગસ્થ માતા પ્રત્યે અયોગ્ય અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે વાત કરતા વડાપ્રધાને ઉદાર વલણ દાખવવાની અપીલ કરી હતી અને આ વિદ્યાર્થીઓને “ગુમરાહ બાળકો” ગણાવ્યા હતા.
વડાપ્રધાને પોતાના સંદેશમાં કહ્યું હતું:
“કેટલાક તોફાની બાળકોએ ખૂબ જ ગંદી ગાળો આપી… આ અયોગ્ય શબ્દો મારા માટે હતા અને મારી સ્વર્ગસ્થ માતા માટે પણ હતા. આવી ભાષા કોઈ પણ સભ્ય સમાજને શોભે નહીં, અને સમાજનો ગુસ્સો પણ વ્યાજબી છે. પરંતુ આપણે તેમને કોર્ટના ચક્કરમાં કે કાનૂની લડાઈમાં ધકેલીને હેરાન કરવાના બદલે તેમને સાચો રસ્તો બતાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.”
Abuses never solve anything.
Let’s guide the misguided.
Let’s work together.
Let’s work for Bharat. pic.twitter.com/yAePG60KYL
— Narendra Modi (@narendramodi) July 31, 2026
માફી આપવા પાછળનું દૃષ્ટાંત આપતાં વડાપ્રધાને ઉમેર્યું હતું:
જીભ અને દાંતનું ઉદાહરણ: “ક્યારેક આકસ્મિક રીતે આપણી પોતાની જીભ દાંત નીચે આવી જાય છે અને લોહી નીકળે છે. પરંતુ આ ભૂલ બદલ આપણે આપણા જ દાંત તોડી નાખતા નથી કારણ કે દાંત પણ આપણા છે અને જીભ પણ આપણી છે. તેવી જ રીતે આ દેશના ભૂલ કરનારા બાળકો પણ આપણા જ છે.”
રાષ્ટ્ર નિર્માણનું આહ્વાન: “બાળકો, ચાલો આપણે આ બધું ભૂલીને દેશના વિકાસ માટે આગળ વધીએ. આપણે આપણી ભૂલોમાંથી શીખવું જોઈએ. હું તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે જ દિવસ-રાત મહેનત કરી રહ્યો છું.”