અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં રહેતી દિયા (નામ બદલ્યું છે) પોતાના પરિવારની સૌથી લાડકી દીકરી છે. દિયા માટે પરિવાર સારા પાત્રની શોધમાં હતો. જે માટે સમાજના ગ્રુપમાં તેના બાયોડેટા મૂકવામાં આવ્યો હતો. આ જોઈને તેમના પરિચિત દિયા માટે રાજીવ (નામ બદલ્યું છે )નું માગું લઈને આવ્યા હતા. રાજીવનાં માતા-પિતા ન હતાં અને કોઈ વધારે માહિતી ન હોવાથી દિયાના પિતાએ ના પાડી દીધી હતી. પણ રાજીવ સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં નોકરી કરતો હોવાથી એક વખત તેને મળવા તેના ઘરે દિયાના પિતાને આગ્રહ કરવા માંડ્યો હતો. દિયાના પિતા રાજીવના ઘરે ગયા અને આખરે બન્નેની સગાઈ નક્કી થઈ અને વાત આગળ વધી હતી. દિયા અને રાજીવ સગાઈ બાદ ગાંધીનગર અને બીજી જગ્યાએ જતાં હતાં. રાજીવ દિયાને કિસ કરતો હતો અને કહેતો કે તને કિસ કરતા જ નથી આવડતી અને અનેક વખત રાજીવ દિયા સાથે આ પ્રકારનું વર્તન કરતો હતો. સગાઈ થઈ હોવાથી અને બંનેના લગ્ન થવાના છે એમ માનીને દિયા ચૂપ રહી પણ એક દિવસ રાજીવ દિયાના ઘરે પહોંચ્યો અને સગાઈનું નાળિયેર ત્યાં નાખી દીધું અને સમાજમાં કહેવામાં આવ્યું કે રાજીવ અને દિયાની સગાઈ તૂટી ગઈ છે. આ અંગે હજી દિયાના પરિવારને જાણ નહોતી. રાજીવ અનેક વખત દિયાના પરિવારને બધું ભૂલી જવા માટે રૂપિયાની ઓફર કરતો હતો. આખરે દિયાએ પોતાની સાથે બનેલી સમગ્ર વાત લોકો સમક્ષ લાવવા માટે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
