મોસ્કોની હાઇ-પ્રોફાઇલ રેસ્ટોરન્ટ બહાર આત્મઘાતી હુમલો: આતંકવાદ વિરોધી સમિતિએ હાથ ધરી તપાસ
રશિયાની રાજધાની મોસ્કોમાં શનિવારે સાંજે (૧ ઓગસ્ટ) એક અત્યંત સનસનાટીભરી અને આંચકાજનક ઘટના સામે આવી છે. મધ્ય મોસ્કોના કુદ્રિન્સકાયા સ્ક્વેર પર આવેલી જાણીતી અને હાઈ-પ્રોફાઈલ ‘બાલ્ઝી રોસી’ (Balzi Rossi) રેસ્ટોરન્ટ નજીક થયેલા એક ભયાનક બોમ્બ વિસ્ફોટમાં ત્રણ લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અન્ય ૨૧ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
રશિયન સત્તાવાળાઓ અને રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સમિતિ (National Anti-Terrorism Committee) અનુસાર, આ વિસ્ફોટ એક હાથબનાવટના વિસ્ફોટક ઉપકરણ (IED) વડે કરવામાં આવ્યો હતો.
સિક્યોરિટી ગાર્ડની સતર્કતાથી મોટી જાનહાની ટળી
સમાચાર એજન્સી રોઇટર્સ અને રશિયન ન્યૂઝ એજન્સી આરઆઇએ નોવોસ્ટીના રિપોર્ટ અનુસાર, શનિવારે સાંજે બાલ્ઝી રોસી રેસ્ટોરન્ટના આઉટડોર ટેરેસ પર એક હાઇ-પ્રોફાઇલ ખાનગી કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. આ દરમિયાન એક અજાણી મહિલા હાથમાં એક બોક્સ લઈને રેસ્ટોરન્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી.
રેસ્ટોરન્ટના પ્રવેશદ્વાર પર તૈનાત સિક્યોરિટી ગાર્ડને મહિલાની શંકાસ્પદ હલચલ અને તેના હાથમાં રહેલા બોક્સ પર આશંકા જતાં તેણે મહિલાને દરવાજા પર જ અટકાવી દીધી હતી. ગાર્ડે જ્યારે બોક્સ અંગે પૂછપરછ કરી ત્યારે મહિલાએ જણાવ્યું કે તેમાં એક ‘ગિફ્ટ’ (ભેટ) છે. પરંતુ ગાર્ડે તેને અંદર જતાં રોકીને બોક્સ ચેક કરવાનો પ્રયાસ કરતાં જ ક્ષણભરમાં ભયાનક ધમાકો થયો હતો.

વિસ્ફોટમાં મહિલા, ગાર્ડ અને ગ્રાહકનું મોત
આ ભયાનક આત્મઘાતી વિસ્ફોટમાં બોક્સ લઈને આવેલી મહિલા, તેને અટકાવનાર વીર સિક્યોરિટી ગાર્ડ અને નજીકમાં ઉભેલા એક ગ્રાહકનું ઘટનાસ્થળે જ નીપજ્યું હતું. જ્યારે ટેરેસ પર હાજર અને આસપાસના આશરે ૨૧ થી વધુ લોકો વિસ્ફોટના સ્પિન્ટર્સ અને કાચ વાગવાથી ઘાયલ થયા હતા.
ઈજાગ્રસ્તોને સત્વરે મોસ્કોની સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે.
ગેસ સિલિન્ડર નહીં પરંતુ રિમોટ કંટ્રોલ્ડ IED ધમાકો
પ્રારંભિક અહેવાલોમાં સ્થાનિક મીડિયા દ્વારા આ દુર્ઘટનાને રેસ્ટોરન્ટના રસોડામાં થયેલો ગેસ સિલિન્ડર વિસ્ફોટ ગણાવવામાં આવ્યો હતો. પરંતુ રશિયાની રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સમિતિએ ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓ અને તપાસ બાદ સ્પષ્ટ કર્યું હતું કે આ એક ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) નો ઉપયોગ કરીને કરાયેલો સંગઠિત હુમલો હતો.
રશિયન બિઝનેસ અખબાર ‘કોમર્સન્ટ’ ના અહેવાલ મુજબ, વિસ્ફોટ સમયે આઉટડોર ટેરેસ પર મોસ્કોના અગ્રણી ઉદ્યોગપતિઓ અને અગ્રણી હસ્તીઓનો એક ખાનગી કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જો રેસ્ટોરન્ટના આયોજકોએ કડક સુરક્ષા વ્યવસ્થા ન ગોઠવી હોત અને ગાર્ડે મહિલાને બહાર ન રોકી હોત, તો મૃત્યુઆંક ખૂબ મોટો થઈ શકતો હતો.

મહિલા માત્ર એક ‘પ્યાદો’ હતી? તપાસ એજન્સીઓનો દાવો
રશિયન પોલીસ અને ગુપ્તચર તપાસકર્તાઓએ હજુ સુધી માર્યા ગયેલી મહિલાની સત્તાવાર ઓળખ જાહેર કરી નથી. તપાસ અધિકારીઓને આશંકા છે કે બોમ્બ ડિવાઈસને કદાચ સેટેલાઈટ અથવા રિમોટ કંટ્રોલ દ્વારા દૂરથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મહિલાને કદાચ ખબર પણ નહોતી કે તે જે પાર્સલ કે ગિફ્ટ બોક્સ લઈને જઈ રહી હતી તેની અંદર ભયાનક વિસ્ફોટક છુપાવેલો હતો. તેનો ઉપયોગ માત્ર એક ‘મોહરા’ તરીકે કરવામાં આવ્યો હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે. હાલ રશિયન સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને સીલ કરીને સીસીટીવી ફુટેજ અને ટેલિકોમ ડેટાના આધારે માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.