મુંબઇઃ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ અને કાર્લાઇલ જૂથ વચ્ચેની 4000 કરોડ રૂપિયાની ડીલને મોટો આંચકો લાગ્યો છે કારણ કે ભારતીય બજાર નિયામક સેબીએ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સની કાર્લાઇલ સમૂહ સાથેની પ્રસ્તાવિત ૪૦૦૦ કરોડ રૃપિયાની સમજૂતીમાં શેરહોલ્ડરના વોટિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.આ સાથે જ
સેબીએ વધુમાં નિર્દેશ આપ્યા છે કે તે સંબધિત કાયદાકીય જોગવાઇઓ હેઠળ મૂલ્યાંકનની પ્રક્રિયા પૂર્ણ કરે. આ સમજૂતી માટે ૨૨ જૂને શેરહોલ્ડરોનું વોટિંગ થવાનું હતું. જો કે સેબીએ હવે શેરહોલ્ડરના વોટિંગ પર પ્રતિબંધ મૂકી દેતા ૨૨ જૂને આ વોટિંગ શક્ય બનશે નહીં.
એક પ્રોક્સી એડવાઇઝરી ફર્મ સહિતની કેટલીક સંસ્થાઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવ્યા પછી સેબી અને આરબીઆઇ આ સમજૂતી પર નજર રાખી રહી છે. આ સમજૂતી હેઠળ કાર્લાઇલ જૂથ પંજાબ નેશનલ બેંકની સહયોગી કંપની પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ પર નિયંત્રણ મેળવશે.
આ માટે શેરહોલ્ડરોની મંજૂરી માટે ૨૨ જૂને બેઠક થવાની હતી. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે શેરબજારને આપેલી માહિતી મુજબ સેબીએ ૨૨ જૂને થનારા શેરહોલ્ડરોના વોટિંગ પર રોક લગાવી દીધી છે. સેબીના જણાવ્યા મુજબ આ સમજૂતી કંપનીના બંધારણની વિરુદ્ધ છે.
પીએનબી દ્વારા પ્રમોટ કરવામાં આવેલી કંપની પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે એક જણાવ્યું છે કે તેને ૧૮ જૂને સેબી તરફથી પત્ર મળ્યો છે. સેબીએ આ કેસમાં કંપનીને કાયદાકીય જોગવાઇઓનું પાલન કરવા જણાવ્યું છે.
સેબીના પૂર્વ એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર જે એન ગુપ્તાના નેતૃત્ત્વવાળી સ્ટેકહોલ્ડર્સ એમ્પાવર્સ સર્વિસીસ(એસઇએસ)એ આ સમજૂતી સામે વિરોધ નોંધાવ્યો હતો. એસઇએસએ વધુમાં જણાવ્યું હતું કે આ સમજૂતીમાં પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના લઘુમતી શેરહોલ્ડરોની અવગણના કરવામાં આવી હતી.