કોરોના કાળમાં લેભાગુ તત્વો બેફામ બન્યા છે અને હવે તો ઓનલાઇન ઠગી રહ્યા છે. કોરોના કાળમાં ઘરબેઠાં મોબાઈલ ફોન એપ્લિકેશનથી એક કા ડબલ કૌભાંડ આચરી દેશના છ રાજ્યના પાંચ લાખથી વધુ લોકોના 250 કરોડ રૂપિયાથી વધુ નાણાં ઓળવી જવાયાં છે.
પાવર બેન્ક સહિતની અડધો ડઝન જેટલી મોબાઈલ ફોન એપ્લિકેશનથી રોકાણો મેળવવામાં આવ્યાં. રોકાણ કરનારને મલ્ટીલેવલ માર્કેટિંગ એટલે કે ઓળખીતા-પાળખીતાના રોકાણ લાવી આપે તો કમિશનની લાલચ આપવામાં આવી. ચાર જ મહિનામાં 250 કરોડથી વધુ રકમની ઠગાઈ કરી ચાઈનીઝ કૌભાંડી ટોળકીએ આ એપ્લિકેશન આટોપી લીધી છે.
દિલ્હી, મુંબઈ, ઉત્તરાખંડ સહિત અડધો ડઝન રાજ્યની પોલીસ આ કૌભાંડની ફરિયાદો નોંધી તપાસ કરી રહી છે. અમદાવાદ-સુરતમાં રોકાણના પૈસાના ઈ-ટ્રાન્સફર અને આ જ પૈસાથી ક્રિપ્ટો કરન્સીની ખરીદી મુદ્દે તેમજ જુનાગઢ-સુરતમાં રોકાણ મેળવતી કંપની હોવા અંગે બીજા રાજ્યની પોલીસે તપાસ કરી છે.
સુરતમાં તો બે યુવકની ધરપકડ પણ કરવામાં આવી છે. ભૂજમાં બે રોકાણકારોએ ફરિયાદ નોંધાવી તે પછી ભૂજ સાયબર ક્રાઈમ બ્રાન્ચે કૌભાંડના મૂળ ચીનમાં હોવાનો ભંડાફોડ પણ કર્યો હતો. પોલીસ પછી એનઆઈએ અને ઈડી આ આંતરરાષ્ટ્રીય કૌભાંડની તપાસમાં જોડાનાર છે.
એપ્લિકેશન ડાઉનલોડ કરો તેમાં કંપની મોકલે તે ડેટાને લાઈક કરવાનું કામ જ કરવાનું હતું. એપ્લિકેશન ડાઉનલોડ કરો તે પછી પૈસા મળતાં થાય તે પછી 300થી 3000 રૂપિયાના સામાન્ય રોકાણ સાથે બીજા રોકાણકારોને લિન્ક મોકલવાથી વધુ પૈસા મળે તેવી લાલચ આપવામાં આવી.
30000 રૂપિયા ભરીને વીઆઈપી મેમ્બરશીપ મેળવો એટલે 24થી 35 દિવસમાં પૈસા ડબલ થઈ જશે તેવી ખાતરી આપવામાં આવે. આ પધ્ધતિથી ફેબુ્રઆરી-2021થી તા. 12-5-2021 સુધીમાં ચાઈનાની ઈ-ચીટરોની ટોળકી ભારતના પાંચ લાખથી વધુ રોકાણકારોના 250 કરોડ રૂપિયાથી વધુ ચાઊં કરી ચૂકી છે.
આ કૌભાંડની ફરિયાદો થતાં દિલ્હી, મુંબઈ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ગુજરાતના ભૂજ પોલીસ સ્ટેશનમાં થઈ ચૂકી છે. ભૂજમાં આવેલા બોર્ડર રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં તા. 9 જુનના રોજ ભૂજના મયૂરભાઈ ચંદુલાલ શેઠે ફરિયાદ નોંધાવી છે.
આ જ પ્રકારે દેશના છ રાજ્યોમાં 100થી શેલ (નકલી) કંપની ખોલી એપ્લિકેશનથી રોકાણો મેળવાયાં હતાં. આ રોકાણકારોને પૈસા નહીં આપી તમામ નાણાં પેમેન્ટ ગેટથી મેળવી લઈને ક્રિપ્ટો કરન્સી ખરીદી લઈ ચાઈનામાં રહેલી ઠગ ટોળકી ઓળવી ગઈ છે.
પાંચ લાખથી વધુ લોકો સાથે 250 કરોડ રૂપિયાથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી છે. દિલ્હી, મુંબઈ અને ઉત્તરાખંડ પોલીસ આ કેસમાં અમદાવાદ, સુરત અને જૂનાગઢ તપાસ કરી રહી છે. સુરતમાં એક શેલ કંપની ચલાવતાં બ ેલોકોને ઝડપી લેવાયાં હતાં. દેશની સર્વોત્તમ એજન્સી એનઆઈએ ઉપરાંત ઈડી (એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ)એ પણ તપાસમાં ઝંપલાવ્યું છે.
દિલ્હી પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ આ પાંચ મોબાઈલ ફોન એપ્લિકેશન થકી રોકાણ કરતાં ચેતજો. પાવર બેન્ક, લાઈટનિંગ પાવર બેન્ક, સન ફેક્ટરી, ઈઝી પ્લાન અને પોકેટ વોલેટ નામની એપ્લિકેશનો સ્થગિત કરવા ગુગલને લખાયું છે. પણ, આ પાંચ ઉપરાંત અન્ય શંકાસ્પદ એપ્લિકેશન જણાય તો રોકાણ કરતાં પહેલાં સો વખત વિચારવા પોલીસે અપીલ કરી છે.