પોરબંદરના કડીયાપ્લોટ શેરી નં. 8માં રહેતા અને ડ્રાઇવીંગનો ધંધો કરતા પ્રશાંત નામના યુવાને ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના પિતા રાજુભાઇ ઉર્ફે રાજુ ભાવનગરી સામત બાપોદરા રવિવારે બપોરે સાડા ત્રણેક વાગ્યે પોતાનું સ્કુટર લઇને સત્યનારાયણ મંદિર પાસે હેર સલુને વાળ કપાવવા માટે ગયો હતો અને ત્યાં કડીયાપ્લોટ મફતીયાપરામાં રહેતો મનીશ પરમાર સેવીંગ કરાવતો હતો. પ્રશાંત સિગરેટ સળગાવીને પીતો હતો ત્યારે દાઢી કરાવવા બેસેલ મનીશ પરમાર પ્રશાંતને ગાળો બોલવા લાગ્યો હતો અને ઠપકો આપીને બહાર જઇ સિગરેટ પીવાનું કહ્યૂં હતું. આથી ગાળાગાળી અને બોલાચાલી થતાં પ્રશાંત વાળ કપાવ્યા વગર ઘરે જતો રહ્યો હતો. ઘરે ગયા પછી પોતાના પિતા રાજુભાઇ ભાવનગરીને વાળંદની દુકાને થયેલા ડખ્ખાની વાત કરી હતી. રાત્રે 8:30 થી 9 વાગ્યાના અરસામાં રાજુ સામત બાપોદરા નામના આ રીક્ષાચાલકે તેના પુત્ર પ્રશાંત ને એવું જણાવ્યુ હતું કે, પોતાના મોબાઇલમાં મનીશ પરમારનો ફોન આવ્યો હતો અને ‘આજે તારા દિકરા સાથે માથાકૂટ થયેલ છે અમે તારા ઘરે બાધવા માટે આવીએ છીએ’ તેમ કહ્યું હતું. આથી રાજુએ ‘હું અહીં રેલ્વે ફાટક પાસે બેઠો છું, અને મનીશ મારો જાણીતો છે, તેની પાસે હું સમાધાન કરવા જાવ છું’ તેમ કહ્યું હતું. જેથી પ્રશાંત રેલ્વે ફાટક તરફ ગયો ત્યારે તેના પિતા પોતાનું બાઈક લઇને પટેલ મિલ તરફ જતા હતા.પ્રશાંત પણ પોતાની સલામતી માટે તલવાર લઇને પિતાની પાછળ જતો હતો. રાજુ ભાવનગરી ત્યાં પહોંચ્યો ત્યારે તેની સામે કડીયાપ્લોટના મનીશ રામ પરમાર, લખુ સામત પરમાર, પ્રતાપ સામત પરમાર અને ભરત મેરખી એમ ચારેય શખ્સો ઉભા હતા. ત્યારબાદ થોડીવારમાં જ લખુ, પ્રતાપ, મનીશ અને ભરત રાજુ ભાવનગરી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને ચારેય શખ્સો લાકડી, છરી, લોખંડનો પાઇપ વડે રાજુને મારવા લાગ્યા હતા. પોરબંદર પોલીસએ જણાવ્યું હતું કે, મૃતક રાજેશ ઉર્ફે રાજુ ભાવનગરી સામે અગાઉ પ્રોહીબીશનના ગુન્હાઓ નોંધાઇ ચુકયા છે.
