રાજ્યમાં દારૂબંધી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે એડવોકેટ જનરલે રાજ્યમાં દારૂબંધીને પડકારતી અરજી અયોગ્ય ગણાવી હતી. ગુજરાતમાં દારૂ પર રોક હોવાથી રાજ્યમાં દારૂ પીને આવતા લોકો સામે કાર્યવાહી થાય છે. અરજદારે રજૂઆત કરી હતી કે દારૂની છૂટ હોય તેવા રાજ્યમાંથી દારૂ પીને આવતા લોકો સામે કાર્યવાહી ન થવી જોઈએ. અરજદારે રજૂઆત કરી હતી કે ઘરમાં વ્યક્તિ શું ખાશે અને શું પીશે તે સરકાર નક્કી ન કરી શકે. જો કે એડવોકેટ જનરલે અરજદારની રજૂઆતો અયોગ્ય ગણાવી હતી.પ્રાઇવસીના અધિકાર હેઠળ ગુજરાતમાં ઘરમાં બેસી દારૂ પીવાની છૂટ મળવી જોઇએ તેવી માંગણી કરતી પિટિશનોની ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ સુનાવણી યોજાઇ હતી. રાજ્ય સરકારે પ્રાથમિક વાંધો દર્શાવી રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટે વર્ષ ૧૯૪૯માં જ ગુજરાતના દારૂબંધીના કાયદાની જોગવાઇઓને બહાલી આપી હતી. તેથી હાઇકોર્ટ આ પિટિશનો સાંભળી શકે નહીં અને આ પિટિશનો પણ ટકવાપાત્ર નથી.
ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ યોજાયેલી સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે વર્ષ ૧૯૫૧માં સુપ્રીમ કોર્ટે સ્ટેટ ઓફ બોમ્બે અને અન્ય વિરૃદ્ધ એફ.એન. બલસારાના કેસમાં દારૃબંધીના કાયદાની જોગવાઇઓને બહાલી આપી હતી અને તેમને યથાવત્ રાખી હતી. તેથી હાઇકોર્ટ આ પિટિશનો સાંભળી શકે નહીં. અરજદારો નવાં ગ્રાઉન્ડને દર્શાવી કાયદાની જોગવાઇઓ પડકારી રહ્યા છે અને હજુ નવાં ગ્રાઉન્ડ પણ સામે આવી શકે છે, પરંતુ આ કલમોની સુપ્રીમ કોર્ટ અગાઉ માન્યતા આપી ચૂકી છે, તેથી અરજદારો તેની સામે હાઇકોર્ટમાં અરજી કરી શકે નહીં.વર્ષ ૨૦૧૭ બાદ સુપ્રીમ કોર્ટે આપેલા કેટલાંક નિર્ણયો અને અવલોકનોને આધાર બનાવી આ પિટિશનો દ્વારા ગુજરાતમાં દારૃબંધીની જોગવાઇઓને પડકારવામાં આવી છે. શાયરા બાનો, નવતેજ સિંઘ જોહર અને જોસેફ શાઇનના કેસોમાં સુપ્રીમ કોર્ટેના નિર્ણયોને આધાર બનાવી અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ કાયદો એ સ્પષ્ટ રીતે મનસ્વી છે. આ ઉપરાંત પ્રાઇવસીનો અધિકાર, એકાંતમાં રહેવાનો અધઇકાર તેમજ ઘરની ચાર દિવાલમાં દારૃ પીવાના અધિકારને આધાર બનાવી રજૂઆત કરાઇ છે.