જો દીકરાની ઉંમર 18 વર્ષની થઈ જાય છે ત્યારે પણ પિતાની તેના પ્રત્યેની જવાબદારી પૂરી થઈ જતી નથી. પુત્ર પુખ્તાવસ્થા પ્રાપ્ત કર્યા પછી તેના શિક્ષણ અને અન્ય તમામ ખર્ચા ઓ એકલી માતા પર નાંખી શકાતા નથી. પિતાએ પણ પોતાની જવાબદારીઓ નિભાવવી જોઈએ. દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ કહ્યું હતું. આ સાથે કોર્ટે છોકરાના પિતાને તેની માતાને દર મહિને 15,000 રૂપિયા આપવા કહ્યું છે, જેની સાથે તેણે છૂટાછેડા લીધા છે. કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી છોકરો ગ્રેજ્યુએશન પૂર્ણ નહીં કરે અથવા કમાણી શરૂ ન કરે ત્યાં સુધી પિતાએ આ ભથ્થું ચૂકવવું પડશે.કોર્ટે કહ્યું કે પિતા આ બાબતે આંખ બંધ ના કરી શકે કે હવે ભણવાના ખર્ચા વધી રહ્યા છે. જીવન ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પુત્રના ભણતર અને પોતાની ખર્ચની જવાબદારી એકલા માતા પર નાખવી ખોટું હશે. 2018 ની શરૂઆતમાં, ટ્રાયલ કોર્ટે મહિલાની અરજી નામંજૂર કરી દીધી હતી અને પિતાએ પુત્રના શિક્ષણ માટે ચૂકવણી કરવાની વાતનો ઇન્કાર કર્યો હતો. જોકે, કોર્ટે પિતાને સગીર પુત્રીનો ખર્ચ ચૂકવવા આદેશ આપ્યો હતો.હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદે કહ્યું કે જ્યારે છોકરો પુખ્તાવસ્થામાં આવે છે ત્યારે માતાએ તેની સંભાળ લેવી જોઈએ, પરંતુ તેના અભ્યાસ સહિત અન્ય તમામ ખર્ચ માટે તેની આવક નથી. આવી સ્થિતિમાં, છોકરો કમાણી કરતો ન થાય ત્યાં સુધી અથવા તો ગ્રેજ્યુએશન પૂર્ણ થાય ત્યાં સુધી પિતાએ તેની આવકમાંથી જરૂરી ખર્ચ ચૂકવવો જોઈએ.
