પંજાબ નેશનલ બેંકને હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાવનાર ભાગેડુ હીરા કારોબારી નિરવ મોદીને બ્રિટન કોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. હવે તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ભાગેડુ કારોબારી નીરવ મોદી બ્રિટનની હાઇકોર્ટમાં પોતાની કાનૂની લડાઇ હારી ગયા છે. કોર્ટે તેમના પ્રત્યાર્પણ રોકવાની અરજીને ફગાવી દીધી છે. હકિકતમાં આ વર્ષે 15 એપ્રિલે બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલે મોદીને ભારત પ્રત્યાર્પિત કરવાની મંજૂરી આપી દીધી હતી. આ પહેલા વેસ્ટમિંસ્ટર કોર્ટના ડિસ્ટ્રીક જગે પણ નીરવ મોદીને લઈને નિર્ણય સંભળાવ્યો હતો.હવે એવું માનવામાં આવી રહ્યું છે કે હવે નીરવ મોદીની ભારત પરત લાવવાનો રસ્તો સાફ થયો છે. ગત 25 ફેબ્રુઆરીએ બ્રિટનની એક કોર્ટે નીરવ મોદીના પ્રત્યાર્પણના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. ત્યારબાદ એપ્રિલ મહિનામાં બ્રિટનના ગૃહ વિભાગે 13 હજાર કરોડ રુપિયાના બેંક ફ્રોડમાં નીરવ મોદીને ભારતમાં પ્રત્યાર્પિત કરવાની મંજૂરી આપી હતી. ત્યારે હવે તેને બ્રિટનની હાઇકોર્ટમાંથી પણ ઝટકો લાગ્યો છે.
નીરવ મોદી બે પ્રકારના ગુનાઓનો સામનો કરી રહ્યો છે. પહેલામાં સીબીઆઇ પંજાબ નેશનલ બેંક પાસેથી ખોટી રીતે લેટર ઓફ અંડરટેકિંગ પ્રાપ્ત કરવાના અને લોન સમજૂતી અંગે તપાસ કરી રહી છે. જ્યારે ઇડી દ્વારા પણ તપાસ ચાલી રહી છે. આ સિવાય નીરવ મોદી પર સબૂતોને નષ્ટ કરવાના, સાક્ષોને ધમકી આપવાની અને ધમકીના કારણે સાક્ષીઓના મોત થયાના આરોપો લાગ્યા છે. આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડીએ દેશની વિવિધ બેંકોના પૈસા લઈને ફરાર થયેલા ભાગેડુ કારોબારીઓ અંગે મહત્વની જાણકારી આપી છે. જાણકારી પ્રમાણે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની સંપત્તિ જપ્ત કરવાની સાથે સાથે તેનો કેટલોક હિસ્સો કેન્દ્ર સરકાર અને પબ્લિક સેક્ટર્સ બેંકને પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ઈડીએ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની 8441.5 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરીને સરકારી બેંકોને આપી દીધી છે.