ભારતમાં સહકારી બેન્કો ઉઠી જવી કે ફડચામાં જવી ઘટનાઓ અનેક બની છે. આવી ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સહકારી બેન્કોને ડુબવાથી બચાવવા માટે RBI એ સહકારી બેન્કોમાં ધારાસભ્ય કે સાંસદ માટે નો-એન્ટ્રીનો નિયમ બનાવ્યો છે. એટલે કે હવે કોઇ પણ ધારાસભ્ય કે સાંસદ સહકારી બેન્કમાં મેનેજિંગ ડિરેક્ટર બની શકશે નહીં.
ભારતીય રીઝર્વ બેન્કના નવા નિયમ મુજબ રાજકીય નેતાઓ જેવાં કે સંસદસભ્યો, ધારાસભ્યો અથવા તો નગર નિગમના પ્રતિનિધિ અર્બન સહકારી બેન્કોમાં મેનેજીંગ ડાયરેક્ટર નહીં બની શકે. આ નિર્ણયની અસર ગુજરાતની અર્બન કો-ઓપરેટીવ બેન્કો (યુસીબી)ના માળખામાં પણ થવાની છે. રીઝર્વ બેન્કે આ પદ માટે ન્યૂનતમ યોગ્યતા પણ નક્કી કરી દીધી છે. રીઝર્વ બેન્ક દ્વારા 25 મી જુને નવા નિયમો સાથેનો પરિપત્ર તમામ સહકારી બેંકોને પાઠવવામાં આવ્યો છે તેમાં મુખ્યત્વે મેનેજીંગ ડાયરેકટર-સીઈઓ તથા ફુલટાઈમ ડાયરેકટરની નિમણુંકથી માંડીને કાર્યનીતિનો સમાવેશ થાય છે.
રીઝર્વ બેન્કે નવા શ્રેણીબદ્ધ નિયમોમાં કેટલીક આકરી જોગવાઇ કરી છે જેના કારણે રાજ્યોના અર્બન સહકારી માળખામાંમોટી ઉથલપાથલ થવાની સંભાવના છે. સહકારી બેન્કના વહીવટમાં મુખ્ય ભૂમિકા ભજવતા મેનેજીંગ ડાયરેક્ટર, સીઇઓ તેમજ ફુલટાઇમ ડાયરેક્ટર માટે આકરી જોગવાઇ કરવામાં આવી છે. સહકારી બેન્કોને ડૂબતી બચાવવા માટે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
સૌથી આકરોઅને મહત્વનો નિયમ એવો ઘડવામાં આવ્યો છે કે મેનેજીંગ ડાયરેકટર, સીઈઓ કે ફૂલટાઈમ ડાયરેકટર કોઈપણ પ્રકારનું રાજકીય કે ઘધાદારી કનેકશન ધરાવતા ન હોવા જોઇએ. સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર કે અન્ય રીતે સીધું રાજકીય કનેકશન ધરાવતા હોય તેઓની નિમણુંક થઇ શકશે નહીં. આ ઉપરાંત તેમના નામે વ્યકિતગત કે ભાગીદારીવાળો ઘંધો નહોવો જોઈએ.
અર્થાત વેપાર ધંધામાં સીધી રીતે સામેલ હોય તેવા લોકોની નિમણુંક પણ થઇ શકશે નહીં. આ જ રીતે ક્રિમીનલ કેસ ધરાવનારાને પણ આ હોદ્દો આપી શકાશે નહીં. એ ઉપરાંત અન્ય બેંક કે ક્રેડીટ સોસાયટીમાં ડાયરેકટર ન હોવા જોઈએ. સમગ્ર દેશની પ્રાયમરી અર્બન સહકારી બેંકોને અસરકર્તા આ નવા નિયમોમાં ત્રણેય હોદા પર નિયુકિતના માપદંડ નકકીકરવામાં આવ્યા છે.
પસંદગી માટે 35 થી 70 વર્ષની વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતમાં સીએ કે એમબીએ ફાયનાન્સ અથવા અનુસ્નાતક કે બેંક ડીપ્લોમાં ફરજીયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત આઠ વર્ષનો અનુભવ પણ અનિવાર્ય બનાવવામાં આવ્યો છે.
27 પાનાના અલગ અલગ નિયમો દર્શાવતાં પરિપત્રમાં રિઝર્વ બેન્કે હોદાની મર્યાદા પાંચ વર્ષની રાખી છે. ત્યારબાદ રિઝર્વબેન્કની મંજુરીને આધીન બીજા બે પાંચ-પાંચ વર્ષ નિમણુંક આપી શકાશે. 15 વર્ષ પૂર્ણ થવાના સંજોગોમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ પદ પર નહીં રહી શકે.