આસામાને પહોંચી ગયેલા ખાદ્યતેલોના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે અને તેનાથી ગૃહિણીઓને થોડીક રાહત થશે. સરકારે ક્રૂડ પામતેલ પરની આયાત જકાત ઘટાડીને 10 ટકા કરી દીધી છે. અન્ય પામતેલો પર તે 37.5 ટકા રહેશે. આ નિર્ણય આજથી અમલી બનશે અને 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે.
કેન્દ્ર સરકારે ક્રૂડ પામતેલ (સીપીઓ) પર લાગુ આયાત જકાત એટલે કે બેઝિક કસ્ટમ ડ્યૂટી 15 ટકા ઘટાડીને દસ ટકા કર દીધી છે. આ જકાતમાં ઘટાડો 30 જૂનથી લાગુ થશે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
સોમવારે મોડી સાંજે એક પરિપત્રમાં આરબીડી, (રિફાઇન્ડ, બ્લીચ્ડ અને ડિયોડ્રાઇઝ્ડ) પામતેલ, આરબીડી પામોલિન અને આરબીડી પામ સ્ટીયરિન અને ક્રૂડ પામતેલ ઉપરાંત કોઇ અન્ય પામતેલ પર આયાત જકાત પણ 45 ટકાથી ઘટાડીને 37.5 ટકા કરી દેવામાં આવી છે.
સરકાર દ્વારા આ પગલુ એવા સમયે લેવાયુ છે જ્યારે ખાદ્યતેલોની કિંમતોમાં એક વર્ષ પહેલાના સમાન સમયગાળાની તુલનામાં ઝડપથી વધારો થયો છે. અલબત્ત પાછલા એક મહિનામાં વૈશ્વિક બજારમાં કિંમતો ઓછા ઓછી 25 ટકા ઘટી છે તેમ છતાં કિંમતોને ઉંચી ગણવામાં આવી રહી છે. નોંધનિય છે કે, ભારત પોતાની ખાદ્યતેલની માંગના લગભગ એક તૃત્યાંશ જથ્થાની આયાત કરે છે. ભારત પામતેલ ઇન્ડોનેશિયા અને મલેશિયાથી ખરીદે છે તો સોયાતેલ અને સુરજમુખીનું તેલ આર્જેન્ટિ, બ્રાઝિલ, યુક્રેઇન અને રશિયાથી આયાત કરે છે.