અમદાવાદ શહેરના મણિનગરમાં રહેતી 31 વર્ષીય યુવતી હાલ તેના માતાપિતા સાથે રહે છે. અગાઉ જ્યારે સહજાનંદ કૉલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે એક યુવક સાથે તેની મિત્રતા થઈ હતી. બાદમાં આ યુવતી અને યુવકના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા. યુવતીને તેના પતિ સાથે મનમેળ ન રહેતા વર્ષ 2014માં છૂટાછેડા લીધા હતા. જ્યારે યુવક મિત્ર પત્ની સાથે કેનેડા પીઆર પર જતો રહ્યો હતો. ત્યાં જતા યુવકને તેની પત્ની સાથે બનતું ન હતું. જેથી આ યુવક ઇન્ડિયા આવ્યો ત્યારે યુવતીના ભાઈએ તેને સમજાવ્યો હતો. આ દરમિયાન યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં યુવકના છૂટાછેડા ન થયા હોવાથી યુવતીએ યુવક સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવાનું નક્કી થયું હતું.આ મામલે યુવતીના પરિવારજનોને કોઈ વાંધો ન હતો. જોકે, યુવકને પ્રથમ પત્ની સામે વાંધો હોવાથી તેમણે સંબંઘ કાપી નાખ્યો હતો અને અખબારમાં સંબંધ ન હોવાની જાહેરાત પણ યુવકના પરિવારજનોએ આપી દીધી હતી. યુવકની પત્નીએ કેસ કરી 15 લાખ માંગ્યા હતા. જેથી યુવકના પરિવારજનોએ યુવતીના પરિવાર અને યુવક સાથે સમાધાન કર્યું હતું. યુવક અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થઈ આ યુવતી સાથે ઇન્ડિયા આવી યુવકે વર્ષ 2018 માં લગ્ન કરી લીધા હતા.
લગ્ન બાદ યુવતીની સાસુ અલગ અલગ વાતો કરી પતિ-પત્ની વચ્ચે ઝગડા કરાવતા હતા. જોકે, યુવતીનો આ પતિ કેનેડા જતો રહ્યો ત્યારે સાસુ કહેતી કે આના કરતાં અમે અમારા સમાજમાં લગ્ન કરાવ્યા હોત તો કંઈક દહેજ મળતું. યુવતીની સાસુ અંધશ્રદ્ધામાં વિશ્વાસ ધરાવતા હોવાથી દોરા લાવી યુવતીને બાંધતા અને મંદિરમાં લઈ જઈને ત્રાસ આપતા હતા. બાદમાં યુવતી કેનેડા પતિ પાસે જતી રહી હતી. એક લગ્ન પ્રસંગમાં ઇન્ડિયા આવી ત્યારે જે વસ્તુઓ બધા માટે લાવી તેમાં પણ સાસુએ વાંધા વચકા કાઢી બોલાચાલી કરી હતી.યુવતી પરત કેનેડા જતી રહેતા તેની સાસુએ બાળક કરવાનું કહ્યું હતું. યુવતીની ઈચ્છા ન હતી પણ સાસુ અને પતિની ઈચ્છા હોવાથી તેણે ગર્ભ રાખ્યો હતો. યુવતી પ્રેગ્નેન્ટ હતી ત્યારે તેનો પતિ ઘરમાં કૂતરું લાવ્યો હતો. જેથી સાસુએ આવેશમાં આવીને યુવતીને કહ્યું કે, ભગવાનનું નામ લેવાની જગ્યાએ કૂતરું રમાડે છે? કોણે કહ્યું હતું કૂતરું લાવવાનું? તારા છોકરા પણ કૂતરા જેવા જ આવશે. સાસુની આ વાતનું યુવતીને મનમાં લાગી આવતા તે સતત તે બાબતે વિચાર કરતા તેની પ્રેગ્નેન્સી પર અસર પડી અને મિસકેરેજ થઈ ગયું હતું.બાદમાં સાસુ-સસરા પણ કેનેડા ગયા હતા. ત્યારે ઘર ગંદુ રાખી સાસુ યુવતીને ત્રાસ આપતા હતા. ફરી એક વખત યુવતી પ્રેગ્નેન્ટ થતા સાસુએ કહ્યું કે, બાબો છે કે બેબી તે અહીં તપાસતા હોય તો જોવડાવી લેજે. જેથી યુવતીએ પાંચમાં મહિને સોનોગ્રાફી કરાવતા બેબી હોવાનું જણાયું હતું. જેથી સાસુએ તારે દીકરી થવાની છે, તારું કંઈ કામ નથી. ઇન્ડિયા જતી રહે તેવું કહેતા યુવતીના પિતાએ પૈસા મોકલતા ટિકિટ કરાવી પ્રેગ્નેન્સીની હાલતમાં યુવતી કોરોના મહામારીમાં પણ ઇન્ડિયા આવી ગઈ હતી. બાદમાં તેના પતિએ કહ્યું હતુ કે, સોશિયલ મીડિયા પર ફોટો મૂકવાના નહીં. શ્રીમંતમાં વીડિયો કૉલ કરતા કૉલ ન કરવાનું કહેતા યુવતીને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
