મુંબઇઃ સહકારી ક્ષેત્રની બેન્કો સામે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કડક વલણ અપનાવતા ચાર બેન્કોને કુલ 112.50 કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે જેમાં એક સહકારી બેન્ક અમદાવાદની છે. આ દંડ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફટકારવામાં આવ્યો છે.
RBIના જણાવ્યા મુજબ અમદાવાદની સહકારી બેન્ક ધી અમદાવાદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્કને તોતિંગ 62.50 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે, આ ચારેય સહકારી બેન્કોને ફટકારેલ સૌથી મોટો દંડ છે. રિઝર્વ બેન્કે કહ્યુ કે, અમદાવાદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્ક પર જમા થાપણ પરના ઈન્ટરેસ્ટ રેટના નિયમોનું પાલન નહીં કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત રિઝર્વ બેન્ક મુંબઈની એસવીસી સહકારી બેન્કને 37.50 લાખ રૂપિયા તેમજ મુંબઈની સારસ્વત બેન્કને 25 લાખ અને આંધ્રપ્રદેશની મહેશ કો-ઓપરેટિવ અર્બન બેન્કને 1.12 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
રિઝર્વ બેન્કના કહેવા પ્રમાણે આંધ્રપ્રદેશની મહેશ કો-ઓપરેટિવ અર્બન બેન્ક પર ડિપોઝીટ પરના ઈન્ટરેસ્ટ રેટ તેમજ કેવાયસીને લગતા નિયમોનું પાલન નહી કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે. તો એસવીસી સહકારી બેન્કે છેતરપિંડી પર નજર રાખવા અંગેના નિયમોનું પાલન કર્યું નથી. આથી તેને પણ દંડ ફટકારાયો છે. જ્યારે સારસ્વત સહકારી બેન્કે ડિપોઝિટ પરના ઈન્ટરેસ્ટ રેટ તેમજ ડિપોઝીટ એકાઉન્ટની દેખરેખના નિયમોનુ પાલન કર્યું નહીં હોવાથી તેને દંડ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, અઠવાડિયે પણ રિઝર્વ બેન્કે કાર્યવાહી કરીને મુંબઈની મોગાવીરા કો ઓપરેટિવ બેન્ક સહિતની ત્રણ સહકારી બેન્કોને 23 લાખનો દંડ ફટકાર્યો હતો.