ભારતીય શેરબજારમાં જુલાઇ મહિના દરમિયાન ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે આઇપીઓનો વરસાદ થશે. શેરબજારમાં તેજીથી આકર્ષાઇય ઘણી કંપનીઓએ આઇપીઓ લાવવાની તૈયારી કરી લીધી છે. પ્રાથમિક અંદાજ મુજબ જૂલાઇ મહિનામાં 18 કરોડ રૂપિયાના 11 પબ્લિક ઇશ્યૂ પાઇપલાઇનમાં તૈયાર છે. જેમાં ઝોમેટો સૌથી મોટો આઇપીઓ લાવવાની તૈયારીમાં છે.
ચાલુ વર્ષે જીઆ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ, શ્રીરામ પ્રોપર્ટીઝ, ક્લિન સાયન્સ અને ટેકનોલોજી, ઝોમેટો, કારટ્રેડ, એક્સિસ કેપિટલ, પાવર ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજીસ, ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ, ઉત્કૃષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ, રોલેક્સ રિંગ્સ લિમિટેડ, આરોહન ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ અને સેવન આઇસલેન્ડ્સ સ્પિનિંગ લિમિટેડના આઇપીઓનો સમાવેશ થાય છે. આમ છેલ્લા 11 મહિનામાં આ બીજી ઘટના છે જ્યારે એક જ મહિનામાં 10થી વધારે કંપનીઓના આઇપીઓ આવી રહ્યા છે.
જુલાઇ મહિનામાં 11 કંપનીઓ આઇપીઓ લાવવાની તૈયારીમાં છે જેમાં ઝોમેટોનો 8250 કરોડ રૂપિયાનો આઇપીઓ લાવશે. એટલે કે ચાલુ મહિને આવનાર કુલ આઇપીઓની અડધા જેટલી રકમ એકલા ઝોમેટો કંપની એક્ત્ર કરશે. તો ગ્લેનમાર્ક લાઇફ સાઇન્સ 1800 કરોડ રૂપિયા અને ક્લિન સાયન્સ 1500 કરોડ રૂપિયાનો આઇપીઓ લાવવાની તૈયારીમાં છે. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક 1350 કરોડ રૂપિયા, કૃષ્ણા ડાયગ્નોસ્ટિક 1200 કરોડ રૂપિયા ઉભા કરશે. તો શ્રીરામ પ્રોપર્ટીઝ અને જીઆર ઇન્ફ્રા કંપની પણ 800 – 800 કરોડ રૂપિયાના જાહેર ભરણાં લાવશે.
ચાલુ વર્ષ 22 આઇપીઓમાંથી 7 કંપનીઓના શેરમાં 50થી 113 ટકા સુધીનું રિટર્ન મળ્યુ છે. જ્યારે 10 આઇપીઓએ 10થી 40 ટકા ફાયદો કરાવ્યો છે. માત્ર 4 કંપનીઓના આઇપીઓમાં રોકાણકારોને નુકસાન થયુ છે.