જીવલેણ કોરોના વાયરસથી બચવા હાલ વેક્સિન એક માત્ર ઉપાય છે. વધુમાં વધુ લોકો ઝડપથી કોરોના વેક્સિન મૂકાવે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે. જો કે હજી પણ કેટલાંક લોકો વેક્સીન મુકાવવા આનાકાની કરી રહ્યા છે. વેક્સિન ન લેનાર નોકરિયાત અને પગારદાર લોકો સામં કંપનીઓ કડક પગલાં લેવા વિચારી રહી છે.
હવે ઓફિસો પણ શરૂ કરવા માટે કંપનીઓએ તૈયારી કરી લીધી છે અને તે માટે કેટલાંક નિયમો નક્કી કર્યા છે. જેમાં વેક્સિન લેનાર કર્મચારીઓને ઓફિસ બોલાવવાનું નક્કી કર્યુ છે. કોર્પોરેટ સેક્ટરમાં પણ રસીકરણ વધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પહેલ હેઠળ હવે કંપનીઓ અનેક પ્રકારની ઘોષણા કરી રહી છે.
જેમાં કંપનીઓએ કર્મચારીઓનો પગાર વધારો અટકાવવા ઉપરાંત, કેટલીક કંપનીઓ રસી ન લેનાર કર્મચારીઓના પગારમાં પણ ઘટાડો કરી રહી છે. એક ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપનીએ તેના કર્મચારીઓને સ્પષ્ટ કહી દીધું છે કે, જો તે રસી ન લે તો પગારમાં 5 ટકા કપાત કરવામાં આવશે. જો કે, રસી લીધા પછી, બાદ કરેલા પૈસા પાછા મળશે.
હકીકતમાં, કંપનીઓ ઇચ્છે છે કે તેમની કંપનીમાંના દરેક કર્મચારીને વહેલી તકે રસી અપાવવી જોઈએ જેથી ઓફિસ ખુલે ત્યારે કોઈ જોખમ ન રહે અને કંપનીઓએ તેને ફરીથી બંધ ન કરવી પડે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે દેશની ઘણી કંપનીઓ આગામી 3-4 મહિનામાં ઓફિસ ખોલવા માંગે છે. તેથી જ તેઓએ કેટલાક સખત નિર્ણયો પણ લેવા પડશે.