નવી દિલ્હીઃ કોરોના મહામારી દરમિયાન મોંઘવારી બેફામ બની છે. હોસ્પિટલો અને દવાઓ પાછળનો ખર્ચ વધ્યો છે તેવા કટોકટીના સમયે મોદી સરકારે એક નિષ્ઠુર નિર્ણય લીધો છે જેનાથી લોકોની મુશ્કેલીઓ અનેક ગણી વધી છે. સરકારે આજે ત્રણ દવાઓની કિંમતમાં એક સાથે 50 ટકાનો વધારો કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ કાર્બામાઝેપાઇન (Carbamazepine), રેનિટીડિન (Ranitidine) અને ઇબુપ્રોફેન (Ibuprofen) સહિત ઘણી દવાઓની કિંમતોમાં 50 ટકા સુધીનો તોતિંગ વધારો કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે.
આ કાર્બામાઝેપાઇનનો ઉપયોગ વાઇની સારવાર માટે કરાય છે, તો રેનિટીડિનનો ઉપયોગ પેટ અને આંતરડાં બિમારી ઉપરાંત આંતરડાંની અલ્સરની બિમારી મટી ગયા બાદ આ બિમારી ફરીથી ન થાય તેને કરવા માટે થાય છે. તો ઇબ્રુપ્રોફેનનો ઉપયોગ માથાનો દુખાવો, દાંતનો દુખાવો, માસિક ધર્મ દરમિયાન થતી પીડા, માંસપેશીઓનો દુખાવો અને ગઠિયા જેવી બિમારીઓમાં દુખાવાને દૂર કરવા માટે થાય છે.
માહિતી મુજબ મુજબ એનપીપીએ આ ત્રણ દવાઓના નવ ફોર્મ્યુલેશનની મહત્તમ કિંમતો વધારવાની પરવાનગી આપી છે. દવાઓની કિંમત નક્કી કરનાર ઓથોરિડીએ કહ્યુ કે, કિંમતોમાં 50 ટકાનો એક સામટો વધારો એ એક અસાધારણ પગલુ છે. અહેવાલમાં જણાવ્યુ છે કે, આ દવાઓ ઓછી કિંમતવાળી દવાઓ છે અને તેને વારંવાર ભાવ નિયંત્રણ હેઠળ રાખવામાં આવી છે. આ દવાઓનો ઉપયોગ શરૂઆતની સારવાર એટલે કે ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટમાં કરવામાં આવે છે.