અમદાવાદઃ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધારવામાં આવી રહી છે અને તેના પગલે લોકોએ હાલના સંકટ સમયમાં પણ ના છુટકે મોંઘુ ઇંધણ ખરીદવુ પડી રહ્યુ છે. આજે ઘરેલુ બજારમાં સરકારી ઓઇલ કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 35 પૈસા પ્રતિ લિટર વધારી છે જો કે ડીઝલની કિંમતો સ્થિર રાખી છે. ગઇકાલ રવિવારે પેટ્રોલ 35 પૈસા ને ડીઝલ 18 પૈસા પ્રતિલિટર મોંઘુ થયુ હતુ.
આ સાથે દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પેટ્રોલ પંપ પર પેટ્રોલની કિંમત ઉછલીને 99.86 રૂપિયા અને ડીઝલની કિંમત 89.36 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઇ છે.
મે મહિના બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધી રહી છે. 4 મે, 2021 બાદથી અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમતો 9.54 રૂપિયા પ્રતિ લિટર મોંઘી વધી ગઇ છે. તો આ દરમિયાન છેલ્લા 33 દિવસમાં ડીઝલની કિંમત પ્રતિ લિટર દીઠ 8.57 રૂપિયા વધી ગઇ છે.
દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, જમ્મુ-કાશ્મિર, તામિલનાડુ, લદાખ, બિહાર અને ઓડિસામાં પેટ્રોલનો ભાવ લીટરે 100 રૂપિયા કરતાં પણ વધી ગયો છે. હવે દિલ્હી પણ એ જ માર્ગે છે. ભાવ નિયંત્રણ નહીં થાય તો થોડાં દિવસોમાં ગુજરાતમાં પણ પેટ્રોલ 100 રૂપિયે મળશે.
શહેરોના નામ | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 99.86 | 89.36 |
મુંબઇ | 105.92 | 96.91 |
ચેન્નઇ | 100.75 | 93.91 |
કલકત્તા | 99.84 | 92.27 |
ભોપાલ | 108.16 | 98.13 |
રાંચી | 95.16 | 94.31 |
બેંગ્લોર | 103.20 | 94.72 |
પટના | 102.01 | 94.76 |
ચંડીગઢ | 96.03 | 89.00 |
લખનઉ | 96.99 | 89.75 |
જંગી એક્સાઇઝ ડયુટી અને વેલ્યુ એડેડ ટેક્સના કારણે 11 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને ક્રોસ કરી ગયો છે અને હવે ગુજરાતનો પણ તેમાં સમાવેશ થાય તેવા એંધાણ છે. ઇંધણના ભાવવધારામાં મબલખ આવક મળતી હોવાથી કેન્દ્ર કે રાજ્ય સરકાર લોકોની યાતના ઓછી કરવા તૈયાર નથી. એનડીએની સરકારમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે પેટ્રોલ કરતાં ડીઝલની કિંમત વધારે જોવા મળી છે.