ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો કહેર ધીમો પડ્યો છે અને સરકારો દ્વારા પ્રતિબંધોમાંથી છુટછાટ અપાતા લોકો ફરી પહેલાની જેમ બેફિકર બની ફરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવવાની ચેતવણી આપી છે. તેમ છતાં લોકો જાણી જોઇને લાપરવાહી રાખી મુશિબતને આમંત્રણ આપી રહ્યા છે.
તાજેતરમાં એક રિસર્ચ રિપોર્ટમાં ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર અંગે ચિંતાજનક ભવિષ્યવાણી કરવામાં આવી છે. SBI રિસર્ચ દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં ‘કોવિડ -19 ધ રેસ ટુ ફિનીશિંગ લાઈન’ માં કહેવામાં આવ્યું છે કે રોગચાળાને રોકવાનું એકમાત્ર સાધન રસીકરણ છે. વૈશ્વિક આંકડા દર્શાવે છે કે ત્રીજી લહેરના આત્યંતિક કેસો બીજી લહેર કરતા લગભગ 1.7 ગણા વધુ ગંભીર હોઈ શકે છે.
આ રિપોર્ટમાં SBI ગ્રુપના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્યા કાંતિ ઘોષે જણાવ્યું કે 7 મેના રોજ ભારતે કોરોનાની બીજી લહેરની ચરમસીમા જોઇ હતી. તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિનાં આધારે 21 ઓગસ્ટથી કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસોમાં ફરી વધારો થવાનું શરૂ થઈ શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે 21 ઓગસ્ટથી કોરોના ચેપના કેસોમાં વધારા સાથે, તે ટોચ પર પહોંચે ત્યાં સુધી ઓછામાં ઓછા એક મહિના સુધી તે વધતા રહેશે. આ સ્થિતિ સપ્ટેમ્બરમાં બની શકે છે. જો કે, હાલની પરિસ્થિતિ દર્શાવે છે કે દેશમાં કોરોનાની બીજી લહેર હજી પૂરી થઇ નથી.