નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં સોનાન કિંમતો 1800 ડોલરની વટાવી કુદાવી ગયા છે. વૈશ્વિક બજારમાં ભાવ વધતા ભારતમાં પણ સોના અને ચાંદીની કિંમતો વધી છે. હાલની પરિસ્થિતિને જોતા આગામી સમયમાં સોના-ચાંદીની હજી ઉંચે જવાની આગાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદરમાં આજે મંગલવારે સોનું 400 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ દીઠ 49,500 રૂપિયા થયુ હતુ જે છેલ્લા ત્રણ સપ્તાહની ઉંચી સપાટી છે. તો સોનાની પાછળ ચાંદીમાં પણ સુધારો આવ્યો અને પ્રતિ કિગ્રાની કિંમત 500 રૂપિયા વધીને 71,000 રૂપિયા થઇ હતી.
ભારતની રાજધાની દિલ્હીના ઝવેરી બજારમાં પણ આજે સોનું 389 રૂપિયા વધીને 46762 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયુ હતુ. તો ચાંદીની કિંમત 397 રૂપિયા વધીને 69105 રૂપિયા પ્રતિ 1 કિગ્રા થઇ હતી.
વૈશ્વિક બુલિયન બજારમાં મોટી રિકવરી જોવા મળી અને સોનું ઝડપથી ઉછળીને 1800 ડોલરની મહત્વપૂર્ણ મનોવજ્ઞૈનિક સપાટીને કુદાવી ગયુ. વૈશ્વિક બજારમાં સાંજે સોનાનો ભાવ 22 ડોલરના સુધારા સાથે 1815 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાતો હતો. તો ચાંદી સાધારણ મજબૂતી સાથે 26.84 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ રહી હતી. ટકાવારીની રીતે સોનું 1.6 ટકા અને ચાંદી 1 ટકા મજબૂત થઇ હતી.
વૈશ્વિક કરન્સી બજારમાં અમેરિકન ડોલર નબળો પડ્યો હતો જો કે બીજી બાજુ ભારતીય ચલણનું મૂલ્ય ઘટવાથી સોના-ચાંદીની કિંમત ઝડપથી વધી છે.