આખી દુનિયા કોરોનાવાઈરસ સામે ઝઝૂમી રહી છે તેવામાં ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં ઉંદરોનો આંતક વધ્યો છે. રાજ્યમાં પ્લેગ ફાટી નીકળવાની સાથે હજારોની સંખ્યામાં ઉંદરો ઘર, ખેતરો અને ઓફિસ પર હુમલો કરી રહ્યા છે. આ ક્રાઈસિસ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉંદરે એક મહિલાની આંખો કોતરી નાખી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. ઉંદરોના આતંકમાં ન્યૂ સાઉથ વેલ્સમાં આવા અનેક કિસ્સાઓ સામાન્ય બન્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક મહિલા સૂતી હતી ત્યારે ઉંદરોએ તેના ઘરમાં આતંક મચાવ્યો. ઉંદર તેની આંખો કોતરવા ગયો. મહિલાને તેની જાણ થતાં જ તેણે હોસ્પિટલ તરફ દોટ મૂકી. આવો જ એક ડરામણો કિસ્સો સિડનીથી પણ સામે આવ્યો હતો. મિક હેરિસ નામનો વ્યક્તિ સૂઈ રહ્યો હતો. અચાનક તેને લાગ્યું કે તેના ચહેરા અને કાનની પાછળ કશુંક થઈ રહ્યું છે. તેણે જાગીને જોયું તો ઉંદરો તેના પર ચડીને ચામડી કોતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અડધી રાતે આવા ભયાવહ દૃશ્યો જોયા બાદ તેને ઊંઘ ન આવી. ઉંદરોને પકડી પાડ્યા બાદ જ તેના જીવમાં જીવ આવ્યો.ન્યૂ સાઉથ વેલ્સમાં ઉંદરોને આતંક એ હદે છે કે સરકારે $50 મિલિયનના રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યાંના મીડિયા પ્રમાણે, આ પ્રકારનો આતંક 30 વર્ષ બાદ જોવા મળ્યો છે.
