NTA ના નિષ્ણાતો જ નીકળ્યા માસ્ટરમાઇન્ડ: NEET-UG પેપર લીક કાંડમાં CBI નો સનસનાટીભર્યો ખુલાસો

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
7 Min Read

પ્રિન્ટિંગ પ્રેસ નહીં પણ દેશની સૌથી મોટી તબીબી પરીક્ષાનું ગોપનીય ત્રિપુટી દ્વારા જ સોદો કરાયો: રૂમથી હોસ્પિટલ સુધી રચાયું ષડયંત્ર

ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો નિર્ણય કરતી NEET-UG (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષા ફરી એકવાર ભારે વિવાદોના ઘેરાવામાં આવી છે. કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (CBI) દ્વારા તાજેતરમાં દાખલ કરવામાં આવેલી વિસ્તૃત ચાર્જશીટે દેશની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા સંચાલન પ્રણાલીના પાયા હચમચાવી દીધા છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે પેપર લીક સામાન્ય રીતે સિક્યોરિટી ભંગ, પ્રિન્ટિંગ પ્રેસમાંથી ચોરી અથવા ટ્રાન્સપોર્ટેશન દરમિયાન થતું હોય છે, પરંતુ CBI ના ચોંકાવનારા ખુલાસાએ આખી ધારણા બદલી નાખી છે.

CBI ના અહેવાલ મુજબ, 2026 ના આ ચકચારી પેપર લીક કાંડમાં કોઈ બહારનો ગુનેગાર કે સિક્યોરિટી એજન્સીની ક્ષતિ જવાબદાર નહોતી, પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માટે કામ કરતા વિષય નિષ્ણાતો (Subject Matter Experts) પોતે જ આ સમગ્ર આંતરરાષ્ટ્રીય સ્તરના રેકેટના માસ્ટરમાઇન્ડ નીકળ્યા છે. જે હાથમાં પરીક્ષાની પવિત્રતા અને ગોપનીયતાની જવાબદારી સોંપાઈ હતી, તે જ હાથોએ પોતાના અધિકારોનો દુરૂપયોગ કરીને લાખો રુપિયાના બદલામાં દેશના લાખો તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્યનો સોદો કરી નાખ્યો. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ આગામી 10 ઓગસ્ટે આ સીબીઆઈ ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાની છે.

- Advertisement -

neet paper leak

ભાષાંતર અને પ્રૂફરીડિંગના ઓટોમાં રમાયેલી રમત

NTA દ્વારા નીટ-યુજી પરીક્ષાના પ્રશ્નપત્રને વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કરવા, બેક-ટ્રાન્સલેશન કરવા અને પ્રૂફરીડિંગ માટે અત્યંત ગોપનીય વાતાવરણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે દેશભરમાંથી પસંદગીના વિષય નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. CBI ની તપાસમાં બહાર આવ્યું છે કે આ જ સંવેદનશીલ તબક્કા દરમિયાન ગોપનીયતાનો ભંગ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

ચાર્જશીટમાં સત્તાવાર રીતે ત્રણ મુખ્ય નિષ્ણાતોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે:

મનીષા ગુરુનાથ મંધારે: બોટની અને ઝૂઓલોજી (વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર) ની વિષય નિષ્ણાત.

પ્રલ્હાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી (પી.વી. કુલકર્ણી): કેમિસ્ટ્રી (રસાયણશાસ્ત્ર) ના નિષ્ણાત.

- Advertisement -

મનીષા સંજય હવાલદાર: ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) ના નિષ્ણાત.

આ ત્રણેય જણાએ NTA દ્વારા આપવામાં આવેલા ઉચ્ચ સ્તરના એક્સેસનો ગેરલાભ ઉઠાવ્યો હતો. પરીક્ષાના પ્રશ્નપત્ર આખરી તબક્કામાં હતા ત્યારે જ આ ત્રિપુટીએ તમામ પ્રશ્નો, વિકલ્પો અને તેના સાચા જવાબોની માહિતી એકત્રિત કરી લીધી હતી.

કોઈ ડિજિટલ પુરાવો ન રહે તે માટે ઓરલ રિવિઝન સેશન

તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, એપ્રિલ 2026 ના બીજા પખવાડિયા દરમિયાન પી.વી. કુલકર્ણી અને મનીષા મંધારેએ પુણે સ્થિત પોતાના ખાનગી નિવાસસ્થાને અત્યંત ગુપ્ત રીતે ‘સ્પેશિયલ રિવિઝન સેશન’ યોજ્યા હતા. આ સેશનમાં માત્ર પસંદગીના ઉમેદવારોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

સાયબર ક્રાઇમ કે ડિજિટલ ટ્રેસથી બચવા માટે આરોપીઓએ અત્યંત ચતુર પદ્ધતિ અપનાવી હતી. તેમણે પ્રશ્નપત્રની કોઈ પ્રિન્ટ, ફોટોકોપી કે વોટ્સએપ મેસેજ આપવાને બદલે ઉમેદવારોને મોઢેથી (ઓરલી) પ્રશ્નો, ચાર વિકલ્પો અને સાચા જવાબ બોલીને સંભળાવ્યા હતા. વિદ્યાર્થીઓ આ જવાબો પોતાની ખાસ નોટબુકમાં હાથેથી લખતા હતા. આરોપીઓનો હેતુ એવો હતો કે જો ક્યારેય તપાસ થાય તો કોઈ ડિજિટલ ફૂટપ્રિન્ટ કે ફોન રેકોર્ડમાંથી પેપર લીકના પુરાવા ન મળી શકે.

ફિઝિક્સના પ્રશ્નો, ફોટોગ્રાફ્સ અને ટેલિગ્રામ નેટવર્ક

ફિઝિક્સ વિભાગનું લીકેજ થોડી અલગ અને વધુ સંકુલ રીતે કરવામાં આવ્યું હતું. ફિઝિક્સ વિષયની નિષ્ણાત મનીષા હવાલદારે આ પ્રશ્નો પુણેના જાણીતા એપીએમએ (APMA) સંસ્થાનના ફિઝિક્સ લેક્ચરર તેજસ હર્ષદકુમાર શાહને પહોંચાડ્યા હતા. ત્યારબાદ, તેજસ શાહે આ હાથથી લખેલા પ્રશ્નો અને ઉકેલોના ફોટોગ્રાફ્સ પોતાના મોબાઈલથી પાડ્યા હતા.

આ ફોટોગ્રાફ્સ તુરંત જ લાતુર ખાતે આવેલા રેણુકાઈ કરિયર સેન્ટરના ડિરેક્ટર પ્રોફેસર શિવરાજ મોતેગાંવકરને મોકલવામાં આવ્યા હતા. આ નાણાકીય લેવડદેવડ સાબિત કરવા માટે CBI ને મજબૂત ડિજિટલ પુરાવા મળ્યા છે. તેજસ શાહે મનીષા હવાલદારના પતિના બેંક ખાતામાં ઓનલાઇન મોટો વ્યવહાર કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

હોસ્પિટલમાં ‘ક્લાસરૂમ’: બાળરોગ નિષ્ણાતની શંકાસ્પદ ભૂમિકા

આ ષડયંત્રમાં સૌથી ભયાનક વળાંક ત્યારે આવ્યો જ્યારે તપાસ લાતુરના સિદ્ધિવિનાયક હોસ્પિટલ સુધી પહોંચી. સીબીઆઈના અહેવાલ મુજબ, પી.વી. કુલકર્ણી અને મનીષા મંધારેએ લાતુરના બાળરોગ નિષ્ણાત (Pediatrician) ડૉ. મનોજ ભગવાનરાવ શિરૂરે સાથે હાથ મિલાવ્યા હતા.

પરીક્ષાના બરાબર થોડા દિવસો પહેલા ઉમેદવારોને કોઈ ટ્યુશન ક્લાસ કે હોટલમાં રાખવાને બદલે આ હોસ્પિટલમાં એકઠા કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ઉમેદવારો પાસે આખું પ્રશ્નબેંક ગોખાવવામાં આવ્યું હતું. જેથી પરીક્ષા ખંડમાં બેસતી વખતે વિદ્યાર્થીઓ કોઈ પણ અચકાટ વગર સાચા જવાબો લખી શકે.

જયપુરથી કોચિંગ સેન્ટરો સુધી: 12 લાખમાં વેચાયું ભવિષ્ય

લીક થયેલા આ પ્રશ્નોનું નેટવર્ક માત્ર મહારાષ્ટ્ર પૂરતું સીમિત ન રહેતા રાજસ્થાન અને હરિયાણા સુધી ફેરાયું હતું. નાસિકના શુભમ ખેરનારે ગુરુગ્રામના યશ યાદવનો સંપર્ક કર્યો હતો. લીક થયેલા પ્રશ્નોને ઝડપથી એકત્ર કરી તેની એક સુરક્ષિત PDF ફાઇલ બનાવવામાં આવી અને ટેલિગ્રામ એપ મારફતે યશ યાદવને મોકલવામાં આવી.

ત્યારબાદ યશ યાદવે આ પીડીએફ જયપુરના માંગીલાલ બિલવાલ (ઉર્ફે માંગીલાલ ખટીક) ને આશરે રૂ. 10 થી 12 લાખમાં વેચી દીધી હતી. માંગીલાલે આ કાગળોની પ્રિન્ટ કાઢીને પોતાના પરિવારના સભ્યો, સ્થાનિક પ્રાઇવેટ કોચિંગ સેન્ટરોના સંચાલકો અને ખાનગી ટ્યુટર્સમાં વહેંચી દીધી હતી. આમ, પરીક્ષાના થોડા કલાકો પહેલા જ આ લીક થયેલું પેપર સાર્વજનિક બની ગયું હતું અને સેંકડો ઉમેદવારો સુધી પહોંચી ગયું હતું.

neet paper leak2.jpg

ફોરેન્સિક પુરાવા અને CBI ની તપાસના મજબૂત આધાર

CBI એ આ મામલે કેન્દ્રીય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) અને ગવર્નમેન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટ્સ (GEQD) ની મદદ લીધી હતી. દરોડા દરમિયાન શંકાસ્પદ વિદ્યાર્થીઓ અને વચેટિયાઓના ઘરેથી જપ્ત કરાયેલી હાથથી લખેલી નોટબુક્સનું હેન્ડરાઇટિંગ પૃથક્કરણ કરવામાં આવ્યું હતું.

જ્યારે આ નોટબુક્સમાં લખેલા પ્રશ્નોનું મિલાન 3 મે ના રોજ લેવાયેલી વાસ્તવિક NEET-UG પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે કરવામાં આવ્યું, ત્યારે નિષ્ણાતો પણ દંગ રહી ગયા. બંને વચ્ચેના પ્રશ્નો, વિકલ્પોનો ક્રમ અને સાચા જવાબો 100% સમાન મળી આવ્યા હતા. આ ઉપરાંત, ડૉ. શિરૂરેના પરિજના સભ્ય પાસેથી રૂ. 5 લાખ રોકડા અને મનીષા હવાલદારના પરિવારના ખાતામાંથી મળી આવેલા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સે આ કૌભાંડમાં મજબૂત પુરાવાનું કામ કર્યું છે.

શિક્ષણ જગતમાં આક્રોશ અને ભવિષ્ય સામે પ્રશ્નાર્થ

NTA ના પોતાના જ નિષ્ણાતો દ્વારા આચરવામાં આવેલા આ કૌભાંડે દેશના લાખો વાલીઓ અને પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ જન્માવ્યો છે. રાત-દિવસ એક કરીને વર્ષો સુધી તૈયારી કરતા પ્રામાણિક વિદ્યાર્થીઓ માટે આ ખુલાસો અત્યંત નિરાશાજનક છે.

આ ઘટના બાદ માંગ ઉઠી રહી છે કે NTA એ પોતાની પેપર સેટિંગ અને ભાષાંતર પ્રક્રિયામાં સાર્વત્રિક સુધારા કરવા પડશે. વિષય નિષ્ણાતોની પસંદગીથી લઈને તેમના પર રાખવામાં આવતી દેખરેખ સુધીની તમામ સિસ્ટમની પુનઃસમીક્ષા કરવી જરૂરી બની ગઈ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ 10 ઓગસ્ટે આ ચાર્જશીટ પર શું વલણ અપનાવે છે અને દોષિતો સામે કેવા પ્રકારની કડક કાર્યવાહીના આદેશ આપે છે તેના પર હવે આખા દેશની નજર ટકેલી છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.