રાજ્યમાં હજુ ત્રણ દિવસ સુધી વરસાદ નહીં પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે, હવામાન વિભાગનું સાથે એમ પણ કહેવું છે કે, ‘રાજ્યમાં 10 તારીખથી રાજ્યના અનેક પ્રાંતમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી 10 તારીખે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. તો 11 તારીખે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.’અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો હવે ચિંતિત થયા છે. ત્યારે રાજ્યમાં વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. આગામી તારીખ 10 જુલાઈથી રાજ્યમાં વરસાદની એક્ટિવિટી વધશે તેવી હવામાન વિભાગે ગઇ કાલે પણ આગાહી કરી હતી. તારીખ 11 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાનું પણ હવામાન વિભાગે અનુમાન કર્યું હતું તો સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે.નોંધનીય છે કે, ગીર સોમનાથના વેરાવળના વખારીયા બજારના વેપારીઓએ વરસાદ માટે પદયાત્રા કરી હતી. દર વર્ષે જુલાઇની શરૂઆતમાં વેપારીઓ ચાલીને વેરાવળથી સોમનાથ જાય છે. આ વર્ષે આ 22મી પદયાત્રા છે. સોમનાથ મહાદેવને વહેલો વરસાદ આવે તેવી તેઓએ પ્રાર્થના કરી હતી. આ પદયાત્રામાં વેરાવળનો સમસ્ત વેપારી સમાજ જોડાયો હતો. વેપારીઓએ ભગવાન સોમનાથ દાદાને વિશ્વ કોરાનાથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.
