લોર્ડ્સમાં ‘MI લંડન’નો રોમાંચક વિજય: વિલ જેક્સના અદ્ભુત કેચ અને સિકંદર રઝાની વિસ્ફોટક બેટિંગથી લંડન સ્પિરિટ પરાસ્ત
ધ હંડ્રેડ 2026 ટૂર્નામેન્ટમાં ગઈકાલે રમાયેલી 23મી મેચમાં ચાહકોને ભારે રોમાંચ જોવા મળ્યો હતો. ક્રિકેટના મક્કા ગણાતા લંડનના ઐતિહાસિક ‘લોર્ડ્સ’ મેદાન પર 6 ઓગસ્ટના રોજ રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં MI લંડને લંડન સ્પિરિટ સામે 4 વિકેટે એક યાદગાર જીત નોંધાવી હતી.
આ રોમાંચક મુકાબલામાં MI લંડનના વિજયનો હીરો રહ્યો ઓલરાઉન્ડર સિકંદર રઝા, જેણે અંતિમ ક્ષણોમાં તોફાની બેટિંગ કરી હતી. આ સિવાય મેચ દરમિયાન બાઉન્ડ્રી લાઇન પર વિલ જેક્સ દ્વારા ઝડપવામાં આવેલો અકલ્પનીય કેચ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.

લંડન સ્પિરિટની મજબૂત શરૂઆત: પ્રિટોરિયસની અડધી સદી
ટોસ જીતીને MI લંડનના કેપ્ટને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લંડન સ્પિરિટ તરફથી ઈનિંગની શરૂઆત કરવા ઉતરેલી લુહાન-ડ્રે પ્રિટોરિયસ અને જોની બેયરસ્ટોની ઓપનિંગ જોડીએ ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. જોની બેયરસ્ટો માત્ર 7 બોલમાં 13 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો, પરંતુ બીજા છેડે પ્રિટોરિયસે તાબડતોબ બેટિંગ ચાલુ રાખી હતી.
પ્રિટોરિયસે માત્ર 28 બોલમાં 52 રનની આક્રમક ઈનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ ઈનિંગને કારણે લંડન સ્પિરિટ એક મોટો સ્કોર બનાવ તરફ આગળ વધી રહી હતી.
વિલ જેક્સનો બાઉન્ડ્રી પર અદ્ભુત કેચ: મેચનો ટર્નિંગ પોઈન્ટ
જ્યારે પ્રિટોરિયસ સંપૂર્ણપણે સેટ થઈ ચૂક્યો હતો અને MI લંડનના બોલરો પર પ્રહાર કરી રહ્યો હતો, ત્યારે ઈનિંગના 49મા બોલ પર એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું. પ્રિટોરિયસે બાઉન્ડ્રી તરફ એક હવાઈ શોટ માર્યો હતો, પરંતુ વિલ જેક્સે સીમારેખા (Boundry Line) પર અદ્ભુત ચપળતા અને સંતુલન દર્શાવતા અશક્ય લાગતો કેચ ઝડપી લીધો હતો.
વિલ જેક્સના આ શાનદાર કેચને કારણે ખતરનાક બની રહેલો પ્રિટોરિયસ આઉટ થયો અને લંડન સ્પિરિટના રનરેટ પર બ્રેક વાગી ગઈ. નિર્ધારિત 100 બોલમાં લંડન સ્પિરિટે 5 વિકેટના નુકસાને 160 રન બનાવ્યા હતા અને MI લંડનને વિજય માટે 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

MI લંડનની રનચેઝ: પૂરન, કુરન અને સિકંદર રઝાનો કમાલ
161 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી MI લંડનની શરૂઆત બહુ ખાસ રહી ન હતી. ટીમ તરફથી વિલ જેક્સે 9 બોલમાં 18 રન અને જેમ્સ વિન્સે 13 બોલમાં 15 રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પ્રારંભિક ઝાટકા બાદ વિકેટકીપર-બેટ્સમેન નિકોલસ પૂરન અને ઓલરાઉન્ડર સેમ કુરને સ્થિતિ સંભાળી હતી.
આ બંને ખેલાડીઓએ ધૈર્યપૂર્વક બેટિંગ કરતા 32 બોલમાં 43 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી. સેમ કુરને 23 બોલમાં 33 રનનું યોગદાન આપ્યું હતું. કુરન આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રઝાએ મેચનું પાસું પલટી નાખ્યું હતું.
સિકંદર રઝાએ માત્ર 16 બોલમાં 32 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, જેમાં તેણે ચાર દર્શનીય છગ્ગા ફટકાર્યા હતા. રઝાની આ તોફાની ઈનિંગના બળે MI લંડને 94 બોલમાં 6 વિકેટ ગુમાવીને 164 રન બનાવી લીધા અને 4 વિકેટથી રોમાંચક જીત હાંસલ કરી લીધી.