મુંબઇઃ કોરોના મહામારી બીજી લહેર બાદ દેશભરમાં કુટુંબોની નાણાંકીય સદ્ધતા પર અસર થઇ છે. તેને પગલે સસ્તા સ્માર્ટફોન અને ટીવી જેવી પ્રોડક્ટોનું વેચાણ ઝડપથી વધી રહ્યુ છે.
ચાલુ વર્ષે સ્માર્ટફોનનાં કુલ વેચાણમાં 10,000 રૂપિયાથી ઓછા મૂલ્યના સ્માર્ટફોનની હિસ્સેદારી 54 ટકા છે. પાછલા વર્ષે આ હિસ્સેદારી 51 ટકા હતી. માર્કેટ રિસર્ચ ફર્મ આઇડીસી એ આ માહિતી આપી છે.
વર્ષ 2016થી 2019 દરમિયાન સ્માર્ટપોનના કુલ વેચાણમાં સસ્તા મોડલની હિસ્સેદારીમાં ઝડપી ઘટાડો આવ્યો હતો. પાછલા વર્ષે કુલ વેચાણમાં સસ્તા સ્માર્ટફોનની હિસ્સેદારી એકંદરે સ્થિર રહી હતી.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીની બીજી લહેર બાદ સસ્તા સ્માર્ટફોન ખરીદવા પર લોકો વધારે ભાર આપી રહ્યા છે. સામાન્ય પરિસ્થિતિઓમાં કુલ વેચાણમાં 10,000 રૂપિયાથી સસ્તા સ્માર્ટફોનની હિસ્સેદારી લગભગ 40 ટકા રહે છે.
કોરોના મહામારીની બીજી લહેર બાદ ગ્રાહકોની ખર્ચ કરવા પાત્ર આવક પર બહુ ઉંડી અસર થઇ છે. આ કારણસર સેકન્ડ- હેન્ડ ફોન માર્કેટમાં પણ વેચાણમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે કુલ વેચાણમાં 10 હજારથી ઓછા મૂલ્યના સ્માર્ટફોનના વેચાણમાં 3 ટકાની વૃદ્ધિ થઇ શકે છે.
તો ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ટીવીના કુલ વેચાણમાં 50 ઇંચ અને તેનાથી મોટી સ્કીનવાળા ટીવીનુ વેચાણ ઘટીને 13-14 ટકા પર આવી ગયુ છે. છ મહિના પહેલા આ હિસ્સેદારી 17-18 ટકા હતી. તો છેલ્લા એક વર્ષમાં ટેલિવિઝનની કિંમતો 50 ટકા સુધી વધી ગઇ છે જેનું કારણ પેનલની કિંમતોમાં 80થી 100 ટકાની વૃદ્ધિ છે.