અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને મંજૂરી મળી છે. ત્યારે ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે. જોકે કર્ફ્યુ વચ્ચે નાથ નગરચર્યાએ નીકળશે. જોકે નાથની નગરચર્યામાં આ વખતે ગજરાજ, શણગારી ટ્રકો, અખાડાના કરતબો કે ભજન મંડળીઓ જોવા નહીં મળે. ખલાસીઓ, પૂજારીઓ સહિતના લોકો માટે રથયાત્રાના 48 કલાક પહેલા આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો છે. તો રથ ખેંચવા વેક્સિનનો એક ડોઝ લીધેલો હોય તેવા ખલાસીઓને શામિલ કરાશે. કોરોના મહામારીને કારણે પાછલા વર્ષે રથયાત્રા નીકળી શકી ન હતી. તેથી ભક્તો નિરાશ હતા. પરંતુ, આ વખતે રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના સંક્રમણ કાબૂમાં છે. ત્યારે, રાજ્ય સરકારે રથયાત્રા કાઢવાને કોવિડ પ્રોટોકોલ સાથે મંજૂરી આપતાં જ ભક્તજનોમાં ઉલ્લાસ વ્યાપી ગયો છે. તો સવારે જગન્નાથ મંદિરમાં ભક્તિભાવ અને ઉલ્લાસ પૂર્વક ભગવાનનું મામેરૂ કરવામાં આવ્યું હતું.
