ભારતમાં નોકરીયાત વર્ગ માટે અત્યાર સુધી કંપની કે ફેક્ટરીમાં નોકરી-કામકાજનો સમય 8 કલાક હતો જો કે હવે તમારે વધારે સમય સુધી નોકરી કરવાની તૈયારી રાખવી પડશે. કારણ કે દેશમાં નોકરીનો સમય 8 કલાક થી વધીને 12 કલાક થઇ શકે છે અને તેની માટે મોદી સરકાર નવા શ્રમ કાયદા લાવી રહી છે જેની અસર નોકરીના કલાકો, પીએફ, ગ્રેજ્યુટી, ટેક હોમ સેલેરી અને હકરજાઓ ઉપર પડશે.
જોકે મોદી સરકાર ઝડપથી લેબર કોડના નિયમોને લાગુ કરવા ઈચ્છે છે. નવા ડ્રાફ્ટ કાયદામાં મહત્તમ કામના કલાકો વધારીને 12 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. કોડના ડ્રાફ્ટ નિયમોમાં 15થી 30 મિનિટ સુધીના વધારાના કામકાજને પણ 30 મિનિટ ગણીને ઓવરટાઈમમાં સામેલ કરવાની જોગવાઈ છે. વર્તમાન નિયમમાં 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઈમમાં ગણવામાં આવો નથી. ડ્રાફ્ટ નિયમોમાં કોઈપણ કર્મચારીને 5 કલાકથી વધુ સમય સતત કામ કરવાની મનાઈ કરવામાં આવી છે. કમર્ચારીઓને દર પાંચ કલાક બાદ અડધો કલાકનો આરામ આપવો પડશે.
નવા ડ્રાફ્ટ નિયમ મુજબ મૂળ પગાર કુલ પગારના 50% અથવા વધુ હોવો જોઈએ. આ મોટાભાગના કર્મચારીઓના સેલેરી સ્ટ્રક્ચરમાં ફેરફાર થઇ શકે છે. હાથમાં આવતા પગારમાં ઘટાડો થઈ શકે છે અને પીએફની રકમ વધી શકે છે. ગ્રેચ્યુઇટી અને પીએફમાં ફાળો વધવા સાથે નિવૃત્તિ પછી પ્રાપ્ત થતી રકમ પણ વધશે. પીએફ અને ગ્રેચ્યુટીમાં વધારાની સાથે કંપનીઓના ખર્ચમાં પણ વધારો થશે. કેમ કે તેઓએ પણ કર્મચારીઓ માટે પીએફમાં વધુ યોગદાન આપવું પડશે. આ કારણોથી કંપનીઓની બેલેન્સશીટ પણ પ્રભાવિત થશે.