બાંગ્લાદેશ વોર્મ-અપ મેચમાં ખુલ્લું પડ્યું: બીજી ઇનિંગમાં માત્ર ૫૪ રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર
ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થાય તે પહેલાં જ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની નબળી બેટિંગ અને ખરાબ ફોર્મ છતું થઈ ગયું છે. ડાર્વિન ખાતે રમાયેલી ત્રણ દિવસીય વોર્મ-અપ મેચમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા XI સામે બાંગ્લાદેશનો એક ઇનિંગ અને ૩૮ રનથી શરમજનક પરાજય થયો છે. મેચની બીજી ઇનિંગમાં બાંગ્લાદેશની બેટિંગ લાઇનઅપ પત્તાના ઘરની જેમ તૂટી પડી હતી અને આખી ટીમ માત્ર ૫૪ રનના મામૂલી સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી બાંગ્લાદેશી ટીમ માટે આ હાર એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. ૧૩ ઓગસ્ટથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ટીમનું આ પ્રદર્શન કેમ્પમાં ચિંતાના વાદળો ઘેરા કરવા માટે પૂરતું છે.

મેહદી હસનની સદી અને ઓસ્ટ્રેલિયા XI નો પલટવાર
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે પ્રથમ ઇનિંગમાં મેહદી હસન મિરાઝની અણનમ સદીની મદદથી ૨૬૩ રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. મિરાઝે એક છેડો સાચવી રાખીને શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું.
જોકે, જવાબમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા XI ના બેટ્સમેનોએ વળતો પ્રહાર કર્યો હતો. યુવા બેટ્સમેન ટીગ વાયલીના શાનદાર ૧૩૦ રનની મદદથી ઓસ્ટ્રેલિયા XI એ પ્રથમ ઇનિંગમાં ૩૫૫ રન ખડકી દીધા હતા. આ સાથે જ હોસ્ટ ટીમે પ્રથમ ઇનિંગના આધારે ૯૨ રનની મહત્વપૂર્ણ અને મજબૂત લીડ મેળવી લીધી હતી.
બીજી ઇનિંગમાં ૫૪ રનમાં સંકેલાઈ બાંગ્લાદેશની ટીમ
૯૨ રનની ખાધ સાથે બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ દબાણ હેઠળ સંપૂર્ણપણે ભાંગી પડી હતી. શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાના અનકેપ્ડ બોલરો સામે બાંગ્લાદેશના અનુભવી બેટ્સમેનો નર્વસ દેખાતા હતા.
ટીમની બેટિંગની કંગાલિયતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઓપનિંગ બેટ્સમેન તન્ઝીદ હસન સિવાય ટીમનો અન્ય કોઈ પણ બેટ્સમેન ડબલ ડિજિટ (૧૦ રન) સુધી પણ પહોંચી શક્યો નહોતો. તન્ઝીદ હસને સૌથી વધુ ૨૨ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની આખી ટીમ માત્ર ૨૨ ઓવરના સમયગાળામાં ૫૪ રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

અજાણ્યા બોલરોએ બાંગ્લાદેશી બેટિંગ લાઇનઅપના ધિજ્જા ઉડાવ્યા
આ મેચમાં સૌથી આશ્ચર્યજનક બાબત ક્રિકેટ ઓસ્ટ્રેલિયા XI ના બોલરોનું પ્રદર્શન રહ્યું. ૨૨ વર્ષીય બોલર કેમ્પબેલ થોમ્પસને પોતાની ધાતક બોલિંગથી બાંગ્લાદેશી ટીમની કમર તોડી નાખી હતી. થોમ્પસને બીજી ઇનિંગમાં ૧૧ ઓવરમાં ૨૫ રન આપીને ૮ વિકેટ ઝડપી હતી, જેમાં બે મેડન ઓવર પણ સામેલ હતી.
બીજી તરફ, સ્પિનર રોચિઓલીએ બીજી ઇનિંગમાં બાકીની 2 વિકેટ લીધી, જેમાં 4 ઓવરમાં 6 રન આપ્યા. નોંધનીય છે કે રોચિઓલીએ અગાઉ પ્રથમ ઇનિંગમાં પણ 6 વિકેટ લીધી હતી. આ બંને બોલરોએ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી, છતાં તેમણે બાંગ્લાદેશ રાષ્ટ્રીય ટીમના અનુભવી બેટ્સમેનોને સ્ટાઇલમાં ડાન્સ કરાવ્યો.