નવી દિલ્હીઃ ગુજરાતના ભાલીયા ઘઉં સમગ્ર ભારતભરમાં પ્રખ્યાત છે અને હવે તેની ખ્યાતી વિદેશમાં પણ પહોંચી ગઇ છે. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) સર્ટિફાઇડ ગુજરાતના ભાલીયા ઘઉંની પહેલીવાર કેન્યા અને શ્રીલંકામાં નિકાસ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતના ભાલીયા ઘઉંની ખેતી સિંચાઇની વિશેષ સુવિધા વગર વરસાદ આધારિત પાણીથી થાય છે. તાજેતરમાં ભાલીયા ઘઉંના પહેલા કન્સાઇમેન્ટની ઉપરોક્ત બે દેશોમાં નિકાસ કરવામાં આવી છે તેવી માહિતી કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે આપી હતી.
વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે, જીઆઈ- સર્ટીફાઈડ ઘઉંમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે અને સ્વાદમાં મીઠા હોય છે અને પાક મોટાભાગે ગુજરાતના ભાલ ક્ષેત્રમાં થાય છે જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, ભાવનગર, સુરેન્દ્રનગર, ભરૂચ જિલ્લો સામેલ છે.
ગુજરાતમાં લગભગ બે લાખ હેક્ટર ખેતી જમીનમાં સિંચાઈ વગર વરસાદ આધારિત પરિસ્થતિઓમાં ઘઉંની આ વિશેષ જાતને ઉગાડવામાં આવે છે. વર્ષ 2020-21માં ભારતથી ઘઉંની નિકાસ ગયા નાણાકીય વર્ષના 444 કરોડ રૂપિયાની તુલનામાં વધીને 4,034 કરોડ રૂપિયાના થઈ ગયા. ભારતે વર્ષ 2020-21 દરમિયાન સાત નવા દેશો યમન, ઈન્ડોનેશિયા, ભૂતાન, ફિલિપાઈન્સ, ઈરાન, કંબોડીયા અને મ્યાનમારને પૂરતા પ્રમાણમાં અનાજની નિકાસ કરી.
ઉલ્લેખનિય છે કે, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એક્ટ હેઠળ, કોઇ પેદાશ, ઉત્પાદન કે પ્રોડક્ટસની ઓળખ વિશેષ ક્ષેત્રમાં નિર્મિત કે ઉત્પાદિત વસ્તુ તરીકે કરવામાં આવે છે. તેની એક વિશિષ્ટ ખાસિયાત હોય છે જે તે ભૌગોલિક ક્ષેત્રને કારણે હોય છે. આ એક કાયદાકીય અધિકાર છે જે હેઠળ જીઆઈ ધારક અન્યોને સમાન નામનો ઉપયોગ કરતા રોકી શકે છે.