કોરોના સંકટકાળમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચવા છતાં લોકોને ના છુટકે મોંઘુ ખરીદવુ પડે છે. કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ઘટ્યા બાદ સરકારે પ્રતિબંધોમાં છુટછાટ આપ્યા બાદ લોકોની અવરજવર અને આર્થિક ગતિવિધિઓ વધતા પેટ્રોલ-ડીઝલની માંગ વધી છે. જેના પગલે બે મહિના બાદ ફરી જૂનમાં ઇંધણની માંગમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ મુજબ જૂન 2021માં વાર્ષિક તુલનાએ ઇંધણની માંગ 1.5 ટકા વધીને 1.63 કરોડ ટને પહોંચી ગઇ છે, જે ચાલુ વર્ષે માર્ચ બાદ ઇંધણની માંગમાં પ્રથમ માસિક વૃદ્ધિ છે.
જૂનમાં પેટ્રોલનું વેચાણ વાર્ષિક તુલનાએ 5.6 ટકા વધીને 24 લાખ ટન થયુ છે. તો ગત મે મહિનાના 19.9 લાખ ટનની તુલનાએ વેચાણમાં 21 ટકાની વૃદ્ધિ થઇ છે. તો દેશમાં સૌથી વધારે વપરાતા ઇંધણ ડીઝલનું વેચાણ મે-2021ની તુલનાએ 12 ટકા વધીને 62 લાખ ટને પહોંચી ગયુ છે, જોકે તે જૂન-20થી 1.5 ટકા અને જૂન-19ની તુલનાએ 18.8 ટકા ઓછુ છે. જૂનમાં એલપીજીનું વેચાણ 9.7 ટકાની વૃદ્ધિ સાથે 22.6 લાખ ટન રહ્યુ છે. તો વિમાન ઇંધણ એટલે કે એટીએફનું વેચાણ 16.2 ટકા વધીને 2,58,000 ટન રહ્યુ છે.