શ્રીનગરઃ કાશ્મીરમાં ભારત વિરોધી સુત્રોચાર અને પાકિસ્તાનનો ઝંડો લહેરાવવા જેવી ઘટનાઓ સામાન્ય છે જો કે હવે તો વાત ભારત સરકાર પાસેથી પગાર લઇને દેશ સાથે ગદ્દારનો એક ગંભીર કિસ્સો બહાર આવ્યો છે જે બહુ જ ચિંતાજનક બાબત છે. આરોપીઓ સાથે સંબંધ રાખનાર સરકારી નોકરી કરનાર આ દેશદ્રોહીઓને સરકારે તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે.
જમ્મુ-કાશ્મીરની સરકારે 11 સરકારી અધિકારીઓને આતંકીઓ સાથે સંબંધ રાખવાના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા છે. આતંકરી સૈયદ સલાઉદ્દીનના બે પુત્રો સૈયદ અહમદ શકીલ અને શાહિદ યૂસુફને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ લોકોને ભારતીય સંવિધાનની કલમ-311 હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કલમ હેઠળ આરોપોની કોઇ તપાસ નથી થતી. ઉલ્લેખનિય છે કે, આમાં ઉપરોક્ત બે વ્યક્તિઓ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના સ્થાપક સૈયદ સલાઉદ્દીનના પુત્રો છે.
બરતરફ કરાયેલા 4 કર્મચારીઓ અનંતનાગના, 3 બડગામના, 1-1 બારામુલ્લા, શ્રીનગર, પુલવામા અને કુપવારાના છે. જેમાંથી 4 શિક્ષણ વિભાગના, 2 પોલીસ કોન્સ્ટેબલ, કૃષિ, કૌશલ્ય વિકાસ, વીજળી, એસકેઆઇએમએસ અને આરોગ્ય વિભાગના દરેક કર્મચારી છે. અધિકારીઓના મતે આ લોકો આતંકવાદીઓને ગુપ્ત માહિતી આપી રહ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં વહીવટ સંબંધિત બાબતોની તપાસ માટે રચાયેલી સમિતિએ તેની બીજી બેઠકમાં 3 અને ચોથી બેઠકમાં 8 કર્મચારીઓને બરતરફ કરવાની ભલામણ કરી હતી. આ ભલામણો બંધારણની જોગવાઈઓ અનુસાર કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, સૈયદ સલાહુદ્દીન કાશ્મીરનો રહેવાસી છે, પરંતુ હાલમાં તે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં રહે છે. તે યુનાઇટેડ જેહાદ પરિષદનો વડા પણ છે. આ સંસ્થાની રચના જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.