વિકાસ ના કામો ને વધુ વેગવંતા બનાવવા માટે તંત્ર હવે આવક ના સ્ત્રોત તરફ નજર દોડાવી રહ્યું હોય તેમ પાર્કિંગ નહિ છોડનારા બિલ્ડરો ના પાપે હવે જનતા એ દર મહિને વાહન પાર્ક કરવા ચાર્જ ભરવો પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.
અમદાવાદ મ્યુનિ.એ રાજ્ય સરકારને નવી પાર્કિંગ પોલિસી માટે મોકલેલા એજન્ડામાં રાત્રે પણ સોસાયટીની બહાર પાર્ક થયેલા વાહનોનો પાર્કિંગ ચાર્જ વસૂલવા અંગે જોગવાઇ જણાવી છે જે અનુસાર આવા વાહનો પાર્ક કરનારાઓ પાસેથી માસિક રૂ. 300 થી 1500 ચાર્જ વસૂલાય તેવી વાત કરાઈ છે. જો રાજ્ય સરકાર મંજૂરી આપશે તો અમદાવાદની મોટાભાગની સોસાયટી, ફ્લેટોને વાહન પાર્કિંગ માટે માસિક ચાર્જ ચૂકવવો પડશે.
મ્યુનિ. જાહેર રસ્તા પર પાર્ક થતાં વાહનો પાસેથી પણ હવે પાર્કિંગ ચાર્જ વસૂલશે. ખાસ કરીને રાત્રિ દરમ્યાન જાહેર રસ્તા પર પાર્ક થતાં વાહનો માટે વિશેષ રીતે પાર્કિગ પોલિસી તૈયાર કરવામાં આવી છે. આવા વાહનો પાસેથી જે તે વિસ્તારની જંત્રી પ્રમાણે અથવા તો અન્ય રીતે પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે તેવી શક્યતા છે. તે સિવાય કોમર્શિયલ બિલ્ડિંગોમાં કેટલાક કિસ્સામાં વધુ રકમ વસુલવામાં આવે તેવી પણ શક્યતા છે. પાર્કિંગ ચાર્જમાં ખાસ કરીને રાત્રિ દરમ્યાન અને દિવસે પણ પાર્કિંગની જગ્યા બાબતે ચાર્જમાં કેટલોક ફરક હોવાની શક્યતા છે. આ ઉપરાંત કોમર્શિયલ રસ્તા પર દિવસનો પાર્કિંગ ચાર્જ લગભગ આ રકમ કરતાં 10 ગણો વધારે રાખવામાં આવે તેવી પણ વાત છે.
જૂની સોસાયટી-ફ્લેટમાં મોટાભાગનાં વાહન રોડ પર જ પાર્ક થતાં હોય છે
મોટાભાગની જૂની સોસાયટીઓના ફોર વ્હીલર જાહેર રસ્તા પર પાર્ક થઇ રહ્યા છે. ખાસ કરીને અગાઉ શહેરની મોટી સોસાયટીઓમાં પણ ટુ વ્હીલર પાર્કિંગને ધ્યાને લઇને જ પાર્કિંગ માટેની જગ્યા ફાળવવામાં આવતી હતી. જોકે છેલ્લા 10 વર્ષમાં ફોર વ્હીલરની સંખ્યા સતત વધી રહી છે. તેથી શહેરમાં આ જૂના ફ્લેટમાં પાર્કિંગની સમસ્યા ઉભી થઇ રહી છે.
વાસ્તવિકતા એ પણ છે કે અનેક કોમર્શિયલ બિલ્ડિંગમાં પૂરતું પાર્કિંગ નહીં હોવા છતાં મ્યુનિ.એ તેને મંજૂરી આપી છે તેમજ દુકાનો અને ઓફિસો માં પાર્કિંગ નો અભાવ જોવા મળી રહ્યો છે આમ પાડા ના વાંકે હવે પખાલી ને ડામ જેવી સ્થિતિ નું નિર્માણ થયુ છે.