સચિન તેંડુલકર નહીં, પણ આ દિગ્ગજ છે ક્રિકેટનો GOAT! બ્રેટ લીએ કર્યો ચોંકાવનારો દાવો, કહ્યું- ‘આંકડા ક્યારેય જૂઠું નથી બોલતા’
જ્યારે પણ વિશ્વ ક્રિકેટના મહાનતમ ખેલાડી એટલે કે GOAT (Greatest of All Time) ની વાત નીકળે છે, ત્યારે મોટાભાગના ક્રિકેટ ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાતોના મોં પર સૌથી પહેલું નામ ભારતના ‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરનું આવે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિસ્ફોટક ફાસ્ટ બોલર બ્રેટ લીએ આ ચર્ચામાં એક નવો વળાંક આપ્યો છે. બ્રેટ લીએ સચિન તેંડુલકરના સ્થાન પર દક્ષિણ આફ્રિકાના મહાન ઓલરાઉન્ડર જેક્સ કાલિસ (Jacques Kallis) ને ક્રિકેટ ઇતિહાસનો ‘સૌથી શ્રેષ્ઠ ક્રિકેટર’ ગણાવ્યો છે.
જોકે, બ્રેટ લીએ સચિન તેંડુલકરને પોતાની નજરે જોયેલા સૌથી બેસ્ટ બેટ્સમેન તરીકે સ્વીકાર્યા છે, પરંતુ જ્યારે ઓવરઓલ ‘કમ્પ્લીટ ક્રિકેટર’ ની વાત આવે ત્યારે તેમણે કાલિસને સચિનથી પણ આગળ મૂક્યા છે.

સચિન શ્રેષ્ઠ બેટ્સમેન, પણ કાલિસ શ્રેષ્ઠ ક્રિકેટર: બ્રેટ લી
મશહૂર પોડકાસ્ટ BeerBiceps પર વાતચીત દરમિયાન બ્રેટ લીએ પોતાના આ મંતવ્ય પાછળનું ગણિત અને તર્ક વિસ્તારથી સમજાવ્યું હતું. બ્રેટ લીએ કહ્યું, “હું હંમેશાં કહીશ કે સચિન તેંડુલકર મેં મારી જિંદગીમાં જોયેલા સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ જો તમે ‘કમ્પ્લીટ ક્રિકેટર’ અથવા ઓવરઓલ GOAT ની વાત કરો, તો જેક્સ કાલિસ બધાથી આગળ નીકળી જાય છે.”
પોતાના દાવાને મજબૂત કરવા માટે બ્રેટ લીએ કાલિસના આંકડાઓનો હવાલો આપ્યો. લીએ આગળ ઉમેર્યું, “જેક્સ કાલિસના આંકડા આખી દુનિયામાં શ્રેષ્ઠ છે. જો તમે ક્રિકેટના આંકડાઓ પર નજર નાખશો તો તમને સમજાશે કે આંકડા ક્યારેય જૂઠું નથી બોલતા. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ક્ષેત્રોમાં તેનું પ્રદર્શન અદ્ભુત અને અવિશ્વસનીય રહ્યું છે.”
દિગ્ગજ ઓલરાઉન્ડર જેક્સ કાલિસની અનોખી સિદ્ધિઓ
દક્ષિણ આફ્રિકાનો આ મહાન ખેલાડી વિશ્વ ક્રિકેટના ઇતિહાસમાં એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે ટેસ્ટ અને વન-ડે (ODI) બંને ફોર્મેટમાં ૧૦,૦૦૦ થી વધુ રન બનાવ્યા છે અને સાથે સાથે ૨૫૦ થી વધુ વિકેટો પણ ઝડપી છે. આજ સુધી ક્રિકેટ જગતમાં કોઈ બીજો ખેલાડી આ કારનામું દોહરાવી શક્યો નથી.
કાલિસ અને બ્રેટ લી વચ્ચેનો આ આદર ભાવ કેવળ મેદાન પર એકબીજા સામે રમવાથી જ નથી આવ્યો, પરંતુ બંને વચ્ચે ખાસ વ્યક્તિગત અનુભવ પણ રહ્યો છે. ૨૦૧૧ થી ૨૦૧૩ દરમિયાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ફ્રેન્ચાઇઝી કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) માં બંનેએ ડ્રેસિંગ રૂમ શેર કર્યો હતો. કાલિસ ૨૦૧૧ થી ૨૦૧૪ સુધી KKR નો મહત્વનો ભાગ રહ્યો હતો, જ્યારે બ્રેટ લી ૨૦૧૧ થી ૨૦૧૩ સુધી ટીમની ઝડપી બોલિંગની કમાન સંભાળતા હતા.

આંકડાઓની નજરે: કાલિસ વર્સિસ સચિન
ટેસ્ટ ક્રિકેટ: ૧૬૬ મેચોમાં ૧૩,૨૮૯ રન, ૪૫ સદીઓ અને ૨૯૨ વિકેટો. આ સિવાય ટેસ્ટમાં ૨૦૦ કેચ પણ ઝડપ્યા છે.
ODI ક્રિકેટ: ૩૨૮ મેચોમાં ૧૧,૫૭૯ રન અને ૨૭૩ વિકેટો.
બીજી તરફ, સચિન તેંડુલકરના આંકડા ક્રિકેટ જગતમાં એક સુવર્ણ માનક સમાન છે:
કુલ આંતરરાષ્ટ્રીય મેચો: ૬૬૪ મેચોમાં કુલ ૩૪,૩૫૭ રન અને અજોડ ૧૦૦ સદીઓ.
ટેસ્ટ અને ODI રન: ટેસ્ટમાં ૧૫,૯૨૧ રન અને વન-ડેમાં ૧૮,૪૨૬ રન, જે આજે પણ વિશ્વ રેકોર્ડ છે.